સત્યેન્દ્ર જૈન-નવાબ મલિકને બરતરફ કરવાની માગ સાથે અરજી કરાઈ
નવી દિલ્હી, જેલમાં બંધ દિલ્હીની આપ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને મહારાષ્ટ્રના નવાબ મલિકને બરતરફ કરવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, આ અરજીને મુખ્ય ન્યાયાધીશની પીઠ સમક્ષ રાખવામાં આવશે. ત્યારબાદ તેને સૂચિબદ્ધ કરવામાં આવશે.
મંત્રી જૈન અને મલિકની અલગ-અલગ ગુનાઓ મામલે ધરપકડ કરવામાં આવી છે. બંને નેતાઓ હજુ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ છે. ગુરુવારે જસ્ટિસ સીટી રવિકુમાર અને સુધાંશુ ધૂલિયાની વેકેશન બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી હતી.
આ પીઆઈએલ અધિવક્તા અશ્વિનિ કુમાર ઉપાધ્યાયે વકીલ અશ્વિનિ કુમાર દૂબેના માધ્યમથી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે, દિલ્હી અને મહારાષ્ટ્ર સરકારના બંને મંત્રીઓને બરતરફ કરવાનો નિર્દેશ આપવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, એક મંત્રી માત્ર એક લોક સેવક નથી પરંતુ તે એક ધારાસભ્ય પણ છે.
આઈએએસ અધિકારીઓ અને અન્ય જાહેર સેવકોની જેમ બે દિવસની ન્યાયિક કસ્ટડી પછી તેમને અસ્થાયી રૂપે પદ પરથી હટાવી દેવા જાેઈએ. ઉપાધ્યાયે અરજીની તાત્કાલિક સુનાવણીનો આગ્રહ કરતા જણાવ્યું કે, આ મામલો સંવિધાનની ધારા ૧૪૪નું ગંભીર ઉલ્લંઘન છે. સુનાવણી કરી રહેલી પીઠે જણાવ્યું કે, અરજી પર સંભવત આગામી સપ્તાહે સુનાવણી થઈ શકે છે. આવા કેસ પહેલા સીજેઆઈ સમક્ષ રજૂ કર્યા બાદ તેને સૂચિબદ્ધ કરવામાં આવે છે.
આ અરજીમાં સુપ્રીમ કોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે, તેઓ બંધારણના રક્ષક હોવાના નાતે ધારા ૧૪ના લોક સેવકોના યોગ્ય સંદર્ભમાં પાલન કરવાના પ્રબંધ માટે વિધિ આયોગને નિર્દેશ આપવામાં આવે કે, તેઓ ચૂંટણી કાયદાઓનું પરીક્ષણ કરે.
ઈડીએ સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ કેસમાં ૩૦ મેના રોજ ધરપકડ કરી હતી. આ જ પ્રકારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ૨૩ ફેબ્રુઆરીના રોજ ઈડીએ ધરપકડ કરી હતી. તેમની ડી કંપનીની સંપત્તિઓની ખરીદી સાથે સબંધિત કેસમાં ધરપકડ કરી હતી.SS2KP