આગામી ત્રણ વર્ષમાં ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરીની સંભાવના
એમ. એસ. યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રીશ્રી
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું છે કે, આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં ૧૦ કરોડ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર આજે મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ સ્ટાર્ટઅપની પ્રદર્શનીમાં પહોંચી તેના વિશે જીણવટભરી માહિતી મેળવી હતી અને બાદમાં આ ઇનોવેટર્સ સાથે સંવાદ સાધ્યો હતો.
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિપુલ તકો રહેલી છે. સેમિ કન્ડક્ટર, સ્પેસ, મટિરિયલ્સ, ડ્રોન, એઆઇ, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સ્ટાર્ટઅપની વ્યાપક તકો રહેલી છે. દેશ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન દેશમાં એક સો યુનિકોર્ન એવો છે કે, જેમની વેલ્યુ રૂ. ૮૦ હજાર કરોડ જેટલી થવા જાય છે. આ બાબત જ દર્શાવે છે કે, ભારત સ્ટાર્ટઅપ થકી અર્થતંત્રમાં ઉભરી રહ્યું છે.
ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારત વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે, એમ કહેતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી દસ વર્ષમાં ભારત વિશ્વની ટેક્નોલોજીક જરૂરિયાતોને સંતોષશે, એ પ્રકારે કામ થઇ રહ્યું છે. દેશની યુવાશક્તિ વિશ્વને મહાત આપી રહી છે અને દુનિયાની સારી સારી કંપનીઓને પણ ભારતીય યુવાનો હંફાવી રહ્યા છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની દુરંદેશિતાથી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની ૨૦૧૬માં રચના કરવામાં આવી છે. હવે દુનિયાએ હાઇડ્રોપાવર ઉપરની નિર્ભરતા ઘટાડી પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ વળવાની જરૂર છે. ઊર્જાના આ ક્ષેત્રમાં પણ ભારત આગેકૂચ કરી રહ્યું છે.
ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગના કારણે દેશમાં સુસાશનનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, તેમ કહેતા તેમણે ઉમેર્યું કે, આજે દેશના ગરીબોને તેમને મળવાપાત્ર લાભો સમયસર અને સીધેસીધા તેના ખાતામાં ડીબીટી મારફતે મળી રહ્યા છે.
ઇન્ટરનેટ સલામત અને વિશ્વાસપાત્ર, જવાબદાર અને તમામ નાગરિકો માટે સરળ ઉપલબ્ધ હોવાની આવશ્યક્તા ઉપર ભાર મૂકતા શ્રી ચંદ્રશેખરે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા લિગલ ફ્રેમ વર્ક તૈયાર કરીને આ ક્ષેત્રને વધુ જવાબદેહી બનાવવામાં આવ્યું છે. સાયબર સિક્યુરિટી માટે સરકાર સતત પગલા લઇ રહી છે.
શ્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિઝીટલ ઇન્ડિયાના પાયા ઉપર નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું અને દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે .આવનાર દાયકો ભારતનો છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આગામી ૧૦ વર્ષ ન્યુ ઇન્ડિયા ફોર યન્ગ ઇન્ડિયાના સૂત્રને સરકાર યુવાશક્તિ સાથે મળીને સાકાર કરશે, ભારતમાં ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં રહેલી વિશાળ તકોમાં દેશમાં ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટી સર્જશે.
ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું કે, ગુજરાત છેલ્લા બે વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ પર્ફોમન્સ રેન્કિંગમાં નંબર વન ઉપર રહ્યું છે. ભારત સરકાર દ્વારા ગુજરાતને શ્રેષ્ઠ પ્રદર્શન માટે બેસ્ટ પર્ફોમન્સ સ્ટેટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આજનો યુવાન સમાજને મદદરૂપ થવા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં નવા નવા ઇનોવેશન કરી રહ્યો છે. જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
પ્રારંભમાં એમએસ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય કુમાર શ્રીવાસ્તવે સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે સ્ટાર્ટઅપને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉચ્ચશિક્ષણ કમિશનરશ્રી એમ. નાગરાજન, ટેક્નિકલ શિક્ષણ નિયામકશ્રી જી. ટી. પંડ્યા, રજીસ્ટ્રાર શ્રી ચુડાસમા, શિક્ષણજગતના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.