દમયંતીબેન બ્રેઇનડેડ થતાં પરિવાર દ્વારા તેમનાં અંગોનું દાન કરવામાં આવ્યું
અષાઢી બીજના પવિત્ર દિવસે દમયંતીબેનનાં અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન
દમયંતીબેન ભરતભાઈ સુતરીયા ઉંમર વર્ષ 53 તા. 29 જૂનનાં રોજ ભરતભાઈ સાથે અનિડા ગામે જતાં હતા એ દરમિયાન ટીલાળા ચોક, નવા 150 ફૂટ રિંગરોડ પર સ્પીડ બ્રેકરમાં લથડી જતાં દમયંતીબેન પડી ગયા અને સ્થળ પર જ કાન અને નાકમાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. તેને તાત્કાલિક વોકાર્ડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
અને ત્યાં ડો. કાંત જોગાણી સાહેબે તેમનું તરત જ ઓપરેશન કર્યું, પરંતુ આ વખતે જ બ્રેઇન હેમરેજને લીધે બ્રેઇનમાં કોઈપણ પ્રકારની રિકવરી ન થઈ અને અંતે 30 જૂનનાં રોજ ડો. કાંત જોગાણી સાહેબ અને એમની ટીમે તપાસ કરી બ્રેઇન ડેડ જાહેર કર્યા.
આ કપરા સમયમાં દમયંતીબેનના બંને પુત્રો કુલદીપભાઈ અને પ્રિન્સભાઈએ એમના અંગદાન કરવાની ઈચ્છા એમના પિતાશ્રી ભરતભાઈને વ્યક્ત કરી. ભરતભાઈ પોતે પણ ખૂબ સેવાભાવી છે અને તેઓએ પોતે 54 વખત રક્તદાન કર્યું છે, એટલે આ અંગદાનથી બીજા વ્યક્તિઓને નવી જિંદગી મળતી હોય તો બધાજ અંગો દાન કરવાની મંજૂરી આપી.
એમના પુત્રવધૂ કિંજલબેન અને ડેનિશાબેને પણ આ સત્કાર્ય કરવામાં કુટુંબીજનોને ખૂબ સહકાર આપ્યો.
અંગદાનનું નક્કી થતાં જ વોકાર્ડ હોસ્પિટલનાં ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો. વિશાલ ભાલોડી અને નેફ્રોલોજિસ્ટ તથા ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશ્યન ડો. દિવ્યેશ વિરોજાએ આખી રાતની સખત મહેનત કરી,
અંગદાન માટે જરૂરી ટેસ્ટ, તૈયારી, બ્લડસેમ્પલ મોકલવાની વ્યવસ્થા રાજ્યની સંસ્થા SOTTO અને અંગદાન સ્વીકારનાર હોસ્પિટલનાં ડોક્ટર્સની ટીમ સાથે સતત સંકલન કરી અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી.
આ પ્રક્રિયામાં બ્રેઇનડેડ જાહેર કરવા માટે ખૂબ જ અગત્યનું કાર્ય ડોક્ટર્સની ટીમ ડો. કાંત જોગાણી, ડો. કેતન ચુડાસમા, ડો. ભાવિન ગોર અને ડો. પ્રશાંત મહેતાએ કર્યું. દર્દીને ICU માં જાળવી રાખવાનું કાર્ય ડો. જલ્પાબેન બોરડ, ડો. મીત ઉનડકટ તથા નર્સિંગ સ્ટાફ ભાનુબેન, આરતીબેન, મોનાલીબેન, નેહલભાઈ, રાહુલભાઈ, આશિકાબેન, કૌશિકભાઈ, સ્વાતિબેન, ઉષાબેન, નિમિષાબેન, ભૂમિબેન વગેરેએ ખૂબ જ ખંતથી કર્યું હતું. વોકાર્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ અને અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટનો પણ આ સેવાકીય પ્રવૃતિમાં સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટના સામાજિક કાર્યકર શ્રીમતી ભાવનાબેન મંડલી , શ્રી નીતિનભાઈ ઘાટલીયા , શ્રી મિતલભાઈ ખેતાણીએ દર્દીના સંબંધીને આ કપરા સમયમા સાંત્વના આપી અને રાજકોટ પોલીસની મદદથી ગ્રીન કોરિડોરની વયસ્થા કરવામાં યોગદાન આપ્યું હતું.
વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9106379842, 9427776665, 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે. આ સમગ્ર ઘટનાને સમાજ સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો ખુબજ સહકાર રહ્યો છે. અંગદાન થકી પાંચ વ્યક્તિઓને અષાઢી બીજ ના પવિત્ર દિવસે નવજીવન આપવા માટે દમયંતીબેનના સમગ્ર પરિવારને કોટિ કોટિ વંદન.