વિશ્વ આરોગ્ય સંગઠનના કર્મચારીઓએ મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી

કાંગો, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ૨૧ કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી. એક સ્વતંત્ર તપાસમાં એવી વાત સામે આવી છે કે આફ્રિકી દેશમાં આ વારદાતોને અંજામ આપવામાં આવ્યો. ડબ્લ્યુએચઓના કર્મચારી ઈબોલા મહામારી સામે લડવા માટે કાંગો ગયા હતા. ત્યારે તેમણે અનેક મહિલાઓ અને છોકરીઓનું શારીરિક શોષણ કર્યું.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સ્વતંત્ર કમિટી તપાસમાં કર્મચારીઓ પર લાગેલા આરોપોની પુષ્ટિ બાદ ડબ્લ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસ એડનમ ઘેબ્રેયેસસએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ટેડ્રોસે કહ્યું કે ગુનો કરનારાઓને સજા અપાવવી એ તેમની પ્રાથમિકતામાં સૌથી ઉપર છે. તપાસ ટીમે એ પણ જાણ્યું કે હોસ્પિટલમાં દાખલ મહિલાઓ સાથે પણ યૌન હિંસા કરવામાં આવી હતી.
લગભગ ૮૩ એવા લોકોની જાણ થઈ છે જેણે ઈબોલા મહામારી દરમિયાન મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હતું અને તેમાંથી ૨૧ કર્મચારીઓ ડબ્લ્યુએચઓના હતા. પ્રભાવિતોને મદદ કરવા માટે ગયેલા આ કર્મચારી મહિલાઓના ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવ્યા બાદ તેમને પોતાની હવસનો ભોગ બનાવતા હતા. જ્યારે કેટલીક મહિલાઓનું કહેવું છે કે નોકરીના વચન આપીને તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું.
પીડિત મહિલાઓએ એમ પણ જણાવ્યું કે શારીરિક હુમલા દરમિયાન આરોપી કન્ટ્રાસેપ્શનનો ઉપયોગ કરતા નહતા. બાદમાં તેઓ મહિલાઓને એબોર્શન માટે દબાણ કરતા હતા. કેટલીક પીડિત મહિલાઓએ જણાવ્યું કે એક ડોક્ટરે પણ નોકરીનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
આ ઘટનાઓને લઈને તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે લગભગ ૫૦ મહિલાઓએ મદદ કરનારા લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નોંધનીય છે કે ઈબોલા મહામારી દરમિયાન કાંગોમાં લગભગ ૨ હજાર લોકોના મોત થયા હતા.