Western Times News

Gujarati News

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં વેપારીઓ સામે ૫૦ હજાર કરતાં વધુ ફરિયાદો

અમદાવાદ, ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરના ફોરમમાં ૫૦ હજાર કરતાં વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. એટલું જ નહીં આ સમયગાળામાં કમિશન સમક્ષ ૮૦૦૦ કરતાં વધુ કેસ આવ્યા છે.

ગ્રાહક સુરક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે કોઇપણ ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને અન્યાય થાય, છેતરપિંડી થાય અથવા તો છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેવામાં આવે તો રાજ્યના તમામ જિલ્લામાં ૩૮ ગ્રાહક સુરક્ષા ફોરમ અને જિલ્લા કમિશનો આવેલા છે. રાજ્યકક્ષાએ કમિશનના પ્રમુખ તરીકે જિલ્લા ન્યાયાધીશ કક્ષાના કાર્યરત અથવા નિવૃત્ત અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ૨૬ જિલ્લા કમિશનો કાર્યરત છે.

તેમણે જણાવ્યું હતું કે કાયદાની સરળતા માટે અને ગ્રાહકોના કેસોનો કોર્ટ કરતાં ઝડપી નિકાલ આવે તે રીતે રાજ્ય કમિશન અને જિલ્લા કમિશન કામગીરી કરતું હોય છે. એક કરોડ રૂપિયા સુધીના વળતર કે ફરિયાદના કેસો જિલ્લા કમિશનમાં કરવામાં આવે છે,

જ્યારે એક કરોડથી ઉપરના અને પાંચ કરોડ રૂપિયા સુધીના દાવાનો નિકાલ રાજ્ય કમિશન કરતું હોય છે. ગ્રાહકોમાં જાગૃતિ આવતાં પ્રતિવર્ષ કેસ અને ફરિયાદની સંખ્યા વધતી જાય છે. રાજ્ય કમિશનમાં પ્રતિવર્ષ અંદાજે ૨૦૦૦ જેટલા કેસ આવે છે. રાજ્ય કમિશનમાં કેસ નિકાલની સ્થિતિ ઘણીવાર ૧૦૯ ટકા સુધી પહોંચી જાય છે.

પાંચ વર્ષની સરેરાશમાં કેસ નિકાલ ૯૧.૪ ટકા થયો છે. એટલે કે ૮૨૮૩ કેસ દાખલ થયા હતા જેની સામે ૭૫૪૧ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. એવી જ રીતે જિલ્લા ફોરમમાં ફરિયાદો કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. જિલ્લા ફોરમમાં પ્રતિવર્ષ સરેરાશ ૧૦ હજારથી વધુ ફરિયાદો આવે છે. ૨૦૧૯ના વર્ષમાં ફરિયાદોની સંખ્યા ૧૩૩૧૫ જાેવા મળી હતી.

જિલ્લા ફોરમમાં દાખલ થયેલા ૫૦૪૫૫ કેસ પૈકી ૩૫૮૨૮ કેસોનો નિકાલ કરીને ફોરમે ૭૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.