Western Times News

Gujarati News

શાહપુર અને કારંજના 600 જેટલા યુવક-યુવતીઓ પોલીસની સાથે મળી બન્યા સુરક્ષાના પ્રહરી

અમદાવાદ પોલીસ દ્વારા આયોજીત કરાયો ‘Thanks giving program’-રથયાત્રાના સુખરૂપ સમાપન બાદ યુવાઓનો આભાર માનવા અમદાવાદ પોલીસની અનોખી પહેલ

ઈતિહાસમાં સૌપ્રથમ વખત બનાવાયેલી યુથ કિમિટીની રથયાત્રામાં સહભાગિતાને બિરદાવવા માટે રાયફલ ક્લબમાં યોજાયો સમારોહ.

યુથ કમિટિના યુવાનો અને યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો, ITIના વર્ગોમાં પોલીસ વિભાગ સહયોગ આપશે’

અમદાવાદ શહેર ઝોન-2 પોલીસ દ્વારા અમદાવાદના ખાનપુર સ્થિત રાયફલ ક્લબમાં સોમવારે ‘Thanks giving program’ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં 1 જુલાઈના રોજ નિકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બંદોબસ્તમાં જોડાયેલા ઉત્સાહી યુવા-યુવતીઓને સત્કારવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ અને DCP-ઝોન 2 શ્રી જયદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.

રથયાત્રાના થોડા દિવસો અગાઉ પ્રજા-પોલીસ વચ્ચે સેતુ સાધવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં આ વર્ષે યુથ કમિટિના ગઠનનો વિચાર મુકવામાં આવ્યો હતો.

રથયાત્રા દરમિયાન કોમી એખલાસ અને ભાઈચારાની ભાવનાથી સલામતી અને સુરક્ષાને દુરસ્ત કરી શકાય તે માટે શહેરના કારંજ અને શાહપુરમાં 2 યુથ કમિટિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટિમાં 100-100 યુવા-યુવતીઓના લક્ષ્યાંક સામે 600થી વધુ યુવા-યુવતીઓએ નામ નોંધાવ્યા હતા. જેમાં શાહપુર વિસ્તારમાં 395 અને કારંજમાં 198 યુવક-યુવતીઓએ નોંધણી કરાવી હતી.

આ તમામ યુવા-યુવતીઓ વોલેન્ટિયર તરીકે જોડાયા હતા. રથયાત્રા દરમિયાન વિવિધ પ્રકારના બંદોબસ્ત સમયે પોલીસ સાથે સુમેળ સાધીને તેમણે રથયાત્રાના સુખરૂપ સમાપન માટે યોગદાન આપ્યું હતું. જે બદલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સામાજીક આગેવાનોએ તેમનું રૂણ પ્રગટ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, ‘યુથ કમિટિની સક્રિયતા માત્ર રથયાત્રા પૂરતી જ નહીં રહે. યુથ કમિટિમાં સામેલ થયેલા યુવા યુવતીઓના ભવિષ્ય ઘડતર માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો, ITIના વર્ગોમાં પોલીસ વિભાગ સહયોગ આપશે’.

આમ, યુથ કમિટિના ગઠન અને બંદોબસ્તમાં તેમની ભૂમિકા થકી યુવાનોમાં આયોજનશક્તિ તેમજ નિરીક્ષણ શક્તિ ખિલે તેવો પ્રશંસનીય પ્રયાસ થયો છે. જેથી અષાઢી બીજની રથયાત્રા કચ્છી સમાજ માટે નવુ વર્ષ તો છે જ પણ પોલીસના આ નવતર અભિગમ થકી યુવાનો માટે પણ એક નવું સોપાન સાબિત થશે તેવી આશા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સામાજીક આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.