Western Times News

Gujarati News

ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા કાર્યરત સંસ્થા એટલે GIET

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન (GIET) નામની સંસ્થા સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ કરાવી રહી છે

‘એક વાર્તા કહું?’, ‘વૈભવે ઉભરાતી ગુજરાતી’, ‘સર્વાંગી શિક્ષણ’ વગેરે વિશિષ્ટ શ્રેણીઓના વિડિયોઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ

યુટ્યૂબ, ટેલિગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો અને યુવાનોને શૈક્ષણિક માહિતી પૂરી પાડે છે

ડિજિટલ ઇન્ડિયા વીક – ૨૦૨૨ની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે આ વીકની ઉજવણીનો પ્રારંભ ગુજરાતની ધરતી પરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો છે. ડિજિટલ ટેક્નોલોજીનો લાભ જન જન સુધી પહોંચે અને

સામાન્ય લોકોને આસાનીથી સુવિધાઓ પ્રાપ્ત થાય એવા વિઝન સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ અનેક પહેલ અને પ્રયાસો આદર્યા હતા, જેને કારણે ડિજિટલ ઇન્ડિયા મામલે ગુજરાત આજે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જિન એવું ગુજરાત ડિજિટલ ઇકોનોમીના ગ્રોથ એન્જિન તરીકે પણ વિકાસ સાધી રહ્યું છે.

કોવિડ-૧૯ની મહામારી દરમિયાન આપણે ડિજિટલ એજ્યુકેશન તરફ વળ્યા, પરંતુ ગુજરાતમાં ઓનલાઇન માધ્યમથી શિક્ષણ આપવાનું, વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડવાની કામગીરી દાયકાઓથી ચાલતી રહી છે. ગુજરાતમાં એક એવી સંસ્થાનો આજે પરિચય કરાવવો છે, જે છેક ૧૯૮૫થી શૈક્ષણિક ટેક્નોલોજી માટે પ્રયાસરત છે.GIET is an organization working to make the dream of Digital India come true

શિક્ષણ તેમજ સર્જનાત્મક વિષયો સાથે એક અનોખી પહેલ ધરાવતી આ સંસ્થા એટલે ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશનલ ટેક્નોલોજી -GIET). ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી સંસ્થા GIETની સ્થાપના ૧૯૮૪ના એપ્રિલમાં INSAT પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી હતી. GIET ૧૯૮૫ના વર્ષથી કાર્યક્રમોનું નિર્માણ કરે છે.

આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને શિક્ષકોના ચોક્ક્સ વય જૂથ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને હેતુપૂર્ણ  રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમનું નિર્માણ કરવાનો છે. સર્જનાત્મક રીતે શિક્ષણ આપવાની સાથે આ સંસ્થા મૂલ્યઆધારિત કાર્યક્રમો પણ તૈયાર કરતી આવી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી તેણે નવા વિકસેલા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું છે. પોતાની વેબસાઇટ ઉપરાંત યુ-ટ્યૂબ, ટેલિગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ પોતાની ચેનલ તેમજ પેજ થકી સક્રિય છે.

કોરોના મહામારીના સમય બાદ શાળાઓ ફરીથી શરૂ થઈ ત્યાર બાદ બાળકોમાં સર્જનાત્મકતા વિકસાવવા તેમજ બાળકોને કોરોનાના ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે GIET દ્વારા વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. GIET દ્વારા GCERTના સહયોગથી ગ્રીષ્મોત્સવ-૨૦૨૨નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ઓનલાઇન-ઓફલાઇન બન્ને મોડ પર ચાલેલી પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ઓનલાઇન થતી કામગીરી આ સંસ્થાએ સંભાળી હતી. આ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલું, જેમાં ૧૬,૪૦૦ બાળકોએ પોતાનાં ચિત્રો અપલોડ કર્યા હતા.

ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન દ્વારા છેલ્લાં અઢી દાયકા કરતાં વધુ સમયથી દૂરદર્શનના માધ્યમથી વિવિધ વિષયો જેવા કે ગુજરાતી, હિન્દી, પર્યાવરણ, ગણિત પર વિડિયો બનાવીને તેને કોરોના સમયમાં ચાલતા ઓનલાઇન વર્ગોના વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે બનાવામાં આવતાં. ૬ થી ૭ લોકોની ટીમ મળીને આ વિષયો પર વિડિયો શૂટ કરતાં. શિક્ષકોની ટીમ મળીને તેમાં ભાગીદાર થતી જેથી બાળકો શાળા વગર, શિક્ષણ કે શિક્ષક વગર ના રહી જાય.

દૂરદર્શન તો એક મહત્વનું માધ્યમ હતું જ, તે સિવાય પણ YouTube, Facebook, BISAG, DIKSHA જેવા પ્લેટફોર્મ પર પણ GIETએ પોતાની ચેનલ શરૂ કરી છે.

ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરતી સંસ્થા GIET દરેક બાળક સુધી પહોંચે તે માટે મક્કમ પ્રયાસો કરી રહી છે. YouTube જેવું પ્લેટફોર્મ એ કોઈ બાળકથી અજાણ્યું નથી, તે જાણતા GIET એ ૭ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ પોતાની ચેનલ ત્યાં શરૂ કરી. ખૂબ જ ટૂંકા સમયમાં આ ચેનલના સબસ્ક્રાઈબર્સ ૩૮,૦૦૦ને પાર પહોંચી ગયા છે.

ગુજરાતી, હિન્દી, પર્યાવરણ, ગણિત, સંગીત, યોગ, રમતગમત, મનોરંજક ગેમ્સ, વિજ્ઞાન, ક્રાફટ, વાર્તા, હેરિટેજ જેવાં વૈવિધ્યપૂર્ણ વિષયોમાં આ GIET વિડિયો અપલોડ કરે છે. ઇન્ટરનેટને કોઈ સીમા ન હોઈ, ગરીબથી લઈને અમીર એમ કોઈ પણ વર્ગનાં બાળકો આ વિડિયો જોઈને જ્ઞાનવર્ધક માહિતી પ્રાપ્ત કરી શકે છે.

ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ્સના માધ્યમથી ચિત્રકલા મહોત્સવ, ઓનલાઇન વક્તૃત્વ સ્પર્ધા, ઓનલાઇન ડ્રામા તથા ફિલ્મ મેકિંગ, થિયેટર જેવા વિષયો ઉપર પણ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. સંગીત, યોગ અને રમતગમત જેવા વિષયો પણ આવરી લઈને બાળકના સર્વાંગી વિકાસમાં વધારો કરવામાં આવે છે. જે શાળાઓમાં વ્યાયામ કે કળા શિક્ષકો નથી ત્યાં આવા કાર્યક્રમો ઉપયોગી સાબિત થતા જોવા મળ્યાં છે.

આ ઉપરાંત, SLOP (Second Line Of Parenting) જેવાં પ્રોગ્રામથી માતા-પિતા તથા શિક્ષકો માટે બાળકના માનસને કેવી રીતે સમજવું, તેની પણ કેળવણી આપવામાં આવે છે; NMMS (National Merit Cum Means Scholarship) સંધાન હેઠળ ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી પરીક્ષામાં ગુજરાતનાં બાળકો ઉત્તમ પ્રદર્શન કરી શકે તે માટે વિષય નિષ્ણાત શિક્ષકોની મદદથી કાર્યક્રમો તૈયાર કરી પ્રસારિત કરવામાં આવ્યા છે.

મૂછાળી મા તરીકે જાણીતા અને બાળકોને ગમતા ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓને બાળકોને પસંદ આવે તે રીતે મૂકવામાં આવી છે.  ‘એક વાર્તા કહું?’ જેવી શ્રેણી થકી અવનવી વાર્તાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકોને નાની ઉંમરે હેરિટેજ જેવાં વિષયોની જાણકારી ના હોય તે સ્વાભાવિક છે. GIET અમદાવાદ હેરિટેજનુ જ્ઞાન પણ બાળકોને યૂટ્યુબ જેવા માધ્યમથી પીરસે છે.

ટૂંકા ગાળામાં દસ લાખથી વધારે વ્યૂસ મેળવનાર GIET યુ-ટ્યૂબ ચેનલમાં આગામી સમયમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓને રોજિંદા વ્યવહારમાં વપરાતી ટેક્નોલોજીની વ્યાપક સમજ આપવાના હેતુથી ટેકનોલોજીના ઉપયોગ અને સમજણ પરનાં કાર્યક્રમો રજૂ કરવાની છે.

ભારત સરકારના ‘નિપુણ ભારત મિશન’ હેઠળનું પ્રાથમિક વાંચન, લેખન અને અંકગણિતનુ સરળતાપૂર્વકનું જ્ઞાન આપે તેવા કાર્યક્રમો પર સમજણ રજૂ કરતાં તેમજ ભવિષ્યના શિક્ષણ અને જરૂરિયાતોને સમજવા માટેના કાર્યક્રમો GIET દ્વારા બનાવાનું આયોજન છે.

ગુજરાતી ભાષાનો વ્યાપ વધે એ માટે ‘વૈભવે ઉભરાતી ગુજરાતી’ શ્રેણી પણ યુ-ટ્યૂબ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના થકી ગુજરાતી ભાષા અને વ્યાકરણ શીખી શકાય છે અને ગુજરાતી ભાષાના વૈભવનો પરિચય મેળવી શકાય છે.  ‘સર્વાંગી શિક્ષણ’ શ્રેણી અંતર્ગત યોગ, ચિત્રકલા, ચિત્ર સંયોજન, સંગીત વાદ્યોનો પરિચય, સ્વચ્છ ભારત, નાટક, મનોવિજ્ઞાન, સાઇબર સેફટી, કઠપૂતળી વગેરે અંગેના રસપ્રદ વિડિયોઝ નિહાળી શકો છો.

તમે અને તમારાં બાળકો પણ GIET ચેનલનો (https://youtube.com/c/GIETVIDYADARSHAN) લાભ મેળવી શકો છો. અમદાવાદમાં હેલમેટ ચાર રસ્તા પાસે આવેલી આ સંસ્થાની વધુ વિગત માટે તેની વેબસાઈટની (http://gujarat-education.gov.in/giet/) મુલાકાત પણ તમે લઈ શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.