રિલીફ રોડ પરના મૂર્તિમંત કોમ્પલેક્ષની ગેરકાયદે દુકાનો અંગે કાર્યવાહી ન થતા કન્ટેમ્પ્ટ પિટિશન
અમદાવાદ, રિલીફ રોડ પરના જાણીતા મૂર્તિમંત કોમ્પલેક્ષના ત્રીજા માળે ગેરકાયદે અને જાખમી દુકાનો અંગે હાઈકોર્ટે કાર્યવાહીનો આદેશ આપ્યો હોવા છતાં તેનું પાલન ન થતા કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવી છે. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી વધુ સુનાવણી ર૮મી નવેમ્બરના રોજ નિયત કરી છે.
પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે રિલીફ રોડ પર આવેલું મૂર્તિમંત કોમ્પ્લેક્ષ મોબાઈલ લે-વેચ, રિપેરિંગ અને એસેસરીઝ માટે જાણીતું છે. કોમ્પલેક્ષના ત્રીજા માળે આશરે ત્રીસથી ચાલીસ દુકાનો છે.
આ દુકાનો લોખંડ અને પ્લાÂસ્ટકના એંગલ નાખી ઉભી કરવામાં આવી છે. અહીં ફાયર સેફટીની સુવિધાનો અભાવ હોવા છતાં લોખંડના એંગલો જાડવામાં ગેસ વેલ્ડીંગ કરવામાં આવ્યું હતું. ગત ૧પમી માર્ચે કોમ્પલેક્ષમાં લાગેલી આગના કારણે ચાર દુકાનો સળગીને નષ્ટ થઈ હતી અને અન્ય દુકાનોમાં પણ નુકસાન થયું હતું.
છતાં પણ દુકાનોમાં સમારકામ માટે ગેસ વેલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે કોમ્પલેક્ષમાં આગ લાગવાની કે શોર્ટ- સર્કિટ થવાની સંભાવના છે. કોમ્પલેક્ષને અડીને પ્રકાશ સ્કૂલ આવી છે, જયાં સંખ્યાબંધ બાળકો અભ્યાસ કરે છે અને પાછળની બાજુએ રહેણાંક વિસ્તારો આવેલા છે. કોમ્પલેક્ષમાં કોઈ અનીચ્છનીય ઘટના બને તો આસપાસના લોકો પણ જાખમમાં મૂકાય તેમ છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી હોવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
૧૬મી જુલાઈના રોજ હાઈકોર્ટે આ રિટનો નિકાલ કરી કોર્પોરેશનને ત્રણ અઠવાડિયાની સમયમર્યાદામાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. હવે અરજદારે કન્ટેમ્પટ પિટિશન દ્વારા રજૂઆત કરી છે કે હાઈકોર્ટના આદેશના ત્રણ મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પ્રતિવાદીઓ સામે કોર્ટ તિરસ્કારની કલમો હેઠળ કાર્યવાહી થવી જાઈએ.