અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાયા, મકાનોમાં પાણી ઘૂસ્યા, રોડ પર વાહનો ફસાયાઃ અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું: અનેક સ્થળે વૃક્ષો ધરાશાયીઃ સૌથી વધુ શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં ૯ ઈંચ વરસાદ નોંધાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી અસહ્ય ઉકળાટ બાદ શુક્રવારે બપોરે આકાશ કાળા ડિભાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં નાગરિકોએ રાહત અનુભવી હતી પરંતુ વરસાદ અવિરતપણે વરસવાનું ચાલુ રહેતાં જ શહેરનાં હાટકેશ્વર, મણિનગર, ચાંદલોડિયા, મેઘાણીનગર, સરસપુર, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી
અને અનેક વિસ્તારોમાં જનજીવન પણ ઠપ્પ થઈ ગયું હતું. પાણી ભરાઈ જવાનાં કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. કેટલીક સોસાયટીઓમાં પાણી ઘુસી જતાં નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત અનેક સ્થળો ઉપર રસ્તાઓ પર ખાડાઓ પડી જતાં વાહનો ફસાયાં હતા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્કૂલ છૂટવાના સમયે પણ વરસાદ ચાલુ રહેતાં બાળકો પણ પાણીમાં ફસાઈ ગયાં હતાં. અમદાવાદમાં શાહિબાગ, મીઠાખળી, અખબારનગર અને મકરબા અંડરબ્રિજ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવાયાં છે. રસ્તા પણ પાણી ફરી વળતાં લોકોનાં વાહનો બંધ થઈ ગયાં છે.
અમદાવાદમાં ૩ કલાકમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ ૯ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં ૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિરાટનગર, રામોલ સહિતના વિસ્તારોમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં ભારે વરસાદના પગલે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. રાયખડ વિસ્તારમાં આવેલા ચિસ્તીવાડમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઇ છે જ્યારે આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા માંડવીની પોળમાં પણ એક જૂનું મકાન ધરાશાયી થયું હતું.
જાે કે ફાયર બ્રિગેડ પહોંચે તેની પહેલા જ વ્યક્તિને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ બની છે.
અમદાવાદ શહેરમાં આજે પડેલા મુશળધાર વરસાદના કારણે પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ અધિકારીઓને ફિલ્ડમાં ઉતરીને લોકોની મદદ માટે જવાની સૂચના આપવામાં આવી છે આજે ટી મીટીંગ કેન્સલ કરીને તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં ફિલ્ડમાં જઈને જે લોકો પાણીથી મુશ્કેલીમાં મુકાયા છે તેમની મદદ કરવા માટે સૂચના આપવા આવી હતી.
અમદાવાદ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા પછીથી ૪ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ઉત્તર ઝોનમાં મેમકો,નરોડા,કોતરપુર, સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આવતા થલતેજ, ગોતા, સાયન્સસિટી વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર,વટવા સહિતના વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં બપોરે ૧૨થી૩માં ક્યાં કેટલો વરસાદઃ ચકુડિયા – ૫ ઈંચ, ઓઢવ – ૪ ઈંચ, વિરાટનગર – ૪ ઈંચ, પાલડી – ૨ ઈંચ, ઉસ્માનપુરા – ૫ ઈંચ, ચાંદખેડા – ૧.૫ ઈંચ, બોડકદેવ – ૨ ઈંચ, સાયન્સ સીટી – ૧ ઈંચ,ગોતા – ૧ ઈંચ, સરખેજ – ૧ ઈંચ, દાણાપીઠ – ૨.૫ ઈંચ, દુધેશ્વર – ૨ ઈંચ, મેમકો – ૩ ઈંચ, કોતરપુર – ૨ ઈંચ,મણીનગર – ૩ ઈંચ, વટવા – ૦.૫ ઈંચ, શહેર એવરેજ – ૨.૫ ઈંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં ચોમાસું બેઠું ત્યારથી અત્યારસુધી જાેઈએ તેવો વરસાદ નહોતો પડ્યો. આજ સવારથી જ શહેરમાં જાેરદાર બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. જાેકે, બપોરે બાર વાગતા જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શહેરમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વીજળીના કડાકાભડાકા સાથે જાેતજાેતામાં જ ધોધમાર વરસાદ શરુ થયો હતો,
અને બે કલાકમાં જ બે ઈંચથી પણ વધુ પાણી પડી જતાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં પણ શહેરમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
ત્રણ કલાક બાદ મેઘરાજાએ વિરામ લેતા નાગરિકોએ રાહત અનુભવી