Western Times News

Gujarati News

ધોધમાર વરસાદથી રાજ્યના અનેક ડેમ છલકાયા

File

નર્મદા ડેમની સપાટીમાં વધારો, દ્વારકાનો બોખરિયા ડેમ, તાપીનો ઉકાઈ ડેમ, વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓ પાણીમય બન્યા છે. રસ્તાઓ, નદી, નાળા, વોકળામાં પાણી ભરાયાની સ્થિતિ છે. ત્યારે સારી વાત એ છે કે, સારા વરસાદને કારણે ગુજરાતના અનેક ડેમ અત્યારથી જ છલકાઈ ગયા છે.

તેમજ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. આ ઉપરાંત દ્વારકાનો બોખરિયા ડેમ, તાપી પરનો ઉકાઈ ડેમ, વંથલીનો ઓઝત વિયર ડેમ, બગડ નદી પરનો બગડ ડેમ ઓવરફ્લો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ૮૫૫૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેથી હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૪.૩૮ મીટર પર પહોંચી છે. પાણીની આવક વધતા ધીમેધીમે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ ૨ પાવર હાઉસ ચાલુ કરાયા છે. ટોટલ આઉટફ્લો ૮૪૦૯ ક્યુસેક પાણી છે. જે ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે.

કપરાડામાં ૧૪ કલાકમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાતા મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. મધુબન ડેમના ૬ દરવાજા ૧ મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી નદીમાં ૨૧૯૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો બીજી તરફ, દમણગંગા નદીએ પણ તોફાની સ્વરૂપ લીધુ છે.

વાપી નજીક દમણગંગા નદીનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. લોકોને નદી કિનારા નજીક નહિ જવા સૂચન અપાયુ છે. જાેકે, તંત્રના સૂચનનો અનાદર કરી કેટલાક લોકો ધસમસતી નદીના પ્રવાહ નજીક દેખાયા છે. આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

તો બીજી તરફ, ધોધમાર વરસાદના પગલે દ્વારકાના ચરકલા પાસે આવેલ બોખરીયા ડેમ ઓવરફ્લો થયો છે. અવિરત વરસાદના પગલે ૨૪ કલાકમાં જ બોખરીયા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. આસપાસના વિસ્તાર માટે જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે. ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે.

ઉકાઈ ડેમની જળ સપાટી ૩૧૫.૫૯ ફૂટે પહોંચી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉકાઈ ડેમમાં ૧૧,૭૯૧ ક્યૂસેક પાણીની આવકની સામે ૧૦૦૦ ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે. આ ઉપરાંત વંથલીનો ઓઝત વિયર ડેમ પણ છલકાયો છે. ડેમ ૨ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યુ છે.

ઓઝત ડેમના તમામ ૧૨ બારા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં નવુ નીર આવ્યુ છે. સાથે જ લોકો માટે આ નજારો આહલાદક જાેવા મળી રહ્યો છે. સીઝનમા પહેલી ડેમ છલકાવાથી ખુશી તેમના ચહેરા પર જાેઈ શકાય છે.

ભાવનગર જિલ્લામાં સતત વરસાદના પગલે મેઘાવી માહોલ જામ્યો છે. વરસાદના કારણે જિલ્લાના અનેક જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. ભારે વરસાદના પગલે ભાવનગર જિલ્લાના મહુવાનો બગડ ડેમ ઓવરફ્લો થયો છે. મહુવા અને બગદાણા પંથકમાં ધોધમાર વરસાદને પગલે બગડ નદી પરનો બગડ ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં ડેમની ઓવરફ્લો સપાટીથી ૩૫ સેમી ઉપર થઈને પાણી વહી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.