Western Times News

Gujarati News

અમરનાથમાં દેવદૂત બનીને આવેલા જવાનો સાથે બચી ગયેલા દંપત્તીએ શું કર્યું

પવિત્ર અમરનાથ યાત્રામાં વાદળ ફટવાને લીધે ફસાયેલા લોકોને સૈનિકોએ બચાવ્યા, બચાવ કામગીરી જારી

જમ્મુ,  પવિત્ર અમરનાથ યાત્રા પર ગયેલા ભક્તો શુક્રવારે સાંજે બનેલી વાદળ ફાટવાની હોનારતને યાદ કરી હજુય કાંપી રહ્યા છે. ચારેય બાજુ તબાહી મચી હતી ત્યારે ભારતીય સેના દેવદૂત બનીને યાત્રાળુઓને બચાવવા માટે દોડી આવી હતી.

આર્મી દ્વારા રેસ્ક્યુ કરાયેલા આવા જ એક વૃદ્ધ કપલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં દંપતી હાથ જાેડીને સેનાના જવાનોને ‘શત શત પ્રણામ’ કરી રહ્યું છે. મહિલા એમ પણ જણાવી રહી છે કે એક-એક લોકોને સૈનિકોએ બચાવ્યા છે. આર્મીએ ગઈકાલે સાંજે શરુ કરેલું રેસ્ક્યુ ઓપરેશન શનિવારે બપોરે પણ ચાલુ હતું.

ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડવા માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરાયા છે. આ ઘટનામાં ૧૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે ૪૦થી વધુ લોકો હજુય લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરનાથની પવિત્ર ગુફામાં હિમલિંગની પૂજા થઈ રહી હતી. ભક્તો તેમાં તલ્લીન હતા અને સેંકડો ભક્તો દરબાર અને નીચે ટેન્ટમાં રોકાયેલા હતા. તે વખતે વરસાદ પણ પડી રહ્યો હતો

અને વાતાવરણ એકદમ ઠંડુ હતું. તે જ અરસામાં જાેરદાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો અને ગુફા સાથે જાેડાયેલા પહાડ પરથી તોફાની વેગે પાણી વહેવા લાગ્યું હતું. કોઈ કશુંય સમજે તે પહેલા જ પાણીનો તેજ પ્રવાહ રસ્તામાં આવતા તંબુઓને રગદોળીને અનેક લોકોને પોતાના લપેટામાં લઈ ચાલ્યો હતો.

એક શ્રદ્ધાળુના જણાવ્યા અનુસાર, વરસતા વરસાદ વચ્ચે લોકો બમ-બમ ભોલેનો જયઘોષ કરતા પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા. તે વખતે જ ગુફા પાસે ભાગો-ભાગોના અવાજ સંભળાવવા લાગ્યા હતા. થોડી જ ક્ષણોમાં ગુફા અને નીચે બનાવાયેલી શિબિરમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. તે જ ક્ષણે ગુફા નજીકથી પાણી વહેવા લાગ્યું હતું. લોકો પાણીના પ્રવાહથી બચવા માટે આમથી તેમ ભાગી રહ્યા હતા.

અમરનાથ યાત્રાના રુટ પર ગુફાની નજીક જ વાદળ ફાટવાથી મિનિટોમાં જ અહીં એટલો ભયાનક વરસાદ થયો હતો કે પહાડ પરથી જાણે તોફાની નદી વહેતી હોય તેવી રીતે પાણી વહેવા લાગ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો શક્તિશાળી હતો કે યાત્રાળુઓના ટેન્ટ તેમજ અન્ય વસ્તુઓ તેની ઝપેટમાં તણખલાની માફક આવી ગઈ હતી અને કેટલાક લોકો પણ તેમાં તણાવા લાગ્યા હતા.

પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના અવારનવાર બનતી રહેતી હોય છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના વારંવાર બને છે જેના કારણે ભારે તારાજી ફેલાતી હોય છે. અમરનાથ યાત્રાના રુટ પર ૧૯૬૯માં વાદળ ફાટવાની ઘટના બની હતી

જેમાં ૧૦૦ જેટલા લોકોના મોત થયા હતા અને બે અઠવાડિયા સુધી યાત્રા સ્થગિત કરવાની નોબત આવતા શ્રદ્ધાળુઓ વિકટ સ્થિતિમાં મૂકાયા હતા. તેવી જ રીતે ૧૯૯૬ની ઘટનામાં વાદળ ફાટવાથી સર્જાયેલી તારાજીમાં ૨૫૦ લોકોના જીવ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.