Western Times News

Gujarati News

૩૬ મી નેશનલ ગેમ્સ હવે ગુજરાતના ૬ શહેરોમાં રમાવાશે

The 8th National Games will now be played in 6 cities of Gujarat

૩૬મી નેશનલ ગેમ્સનું ગુજરાતમાં – વડોદરામાં સ્વાગત-જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલાડીઓ કોચિસ અને રમત મંડળોના પદાધિકારીઓએ રાજ્યમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવના આયોજનને આવકાર્યું

વડોદરા,  રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રભાવશાળી પ્રયાસો અને ગુજરાતમાં ઉપલબ્ધ વિશ્વકક્ષાની રમત સુવિધાઓના પગલે ૩૬ મી નેશનલ ગેમ્સ હવે રાજ્યના ૬ શહેરોમાં રમાવાની છે.

૨૦૧૫માં કેરળમાં ૩૫ મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયો તે પછી કોરોના સહિતના વિવિધ કારણોસર તેનું આયોજન થઈ શક્યું ન હતું.હવે ૨૦૨૨ માં તે રમાશે જેના માટે વિવિધ રાજ્યોની દાવેદારી વચ્ચે ગુજરાતને આ પ્રતિષ્ઠિત રમતોત્સવ યોજવાની ખૂબ મોટી જવાબદારી મળી છે.

તેને અનુલક્ષીને એસ. એ. જી. સંચાલિત વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શહેરના ખેલાડીઓ, વિવિધ રમત મંડળોના પ્રતિનિધિઓ અને ખેલ પ્રશિક્ષકો ( સ્પોર્ટ્સ કોચીસ) એ સાથે મળીને નેશનલ ગેમ્સના આયોજનને આવકારતી ઉજવણી કરી હતી

.જિલ્લા રમત વિકાસ અધિકારી ક્રિષ્ણા પંડ્યા અને બેડમિંટન કોચ જયેશ ભાલાવાળાએ આ “વેલકમ ટુ ૩૬ નેશનલ ગેમ્સ – ટુ ગુજરાત/ વડોદરાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.હરખના માહોલ વચ્ચે સહુ એ હર્ષનાદો થી આ ભાવિ આયોજનને વધાવ્યું હતું અને આ રમતોત્સવના ભાગરૂપે વડોદરામાં મલખંભ,હેન્ડબોલ, જુડો અને ટેબલ ટેનિસના સંભવિત આયોજનને અમૂલ્ય અવસર ગણાવી,તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કૃષ્ણા પંડ્યાને આવકારીને, સ્વાગત અભિવાદન કર્યું હતું.

બેડમિંટન કોચ શ્રી જયેશ ભાલાવાળાએ જણાવ્યું કે ગુજરાતમાં/ વડોદરામાં આ રાષ્ટ્રીય કક્ષાના ખેલ મહાકુંભ જેવા આયોજન થી સ્થાનિક ખેલાડીઓને દેશના નીવડેલા ખેલાડીઓના રમત કૌશલ્યો જોવા અને શીખવાની તક મળશે અને એક નવા જોશનું સિંચન થશે.

નવા જિલ્લા રમત વિકાસ અધિકારી ક્રિષ્ણા પંડ્યાએ જણાવ્યું કે નેશનલ ગેમ્સના આયોજનની ઘણી મોટી જવાબદારી ગુજરાતે સ્વીકારી છે ત્યારે સૌ સાથે મળીને તેને સફળ બનાવીએ.તેના પગલે રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય મહત્વના રમતોત્સવના રાજ્યમાં આયોજનના દ્વાર ખુલશે.

જુડો રમત મંડળના વાસુભાઈએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે નેશનલ ગેમ્સ એ દેશની ઓલિમ્પિક ગણાય.તેનું યજમાનપદ ખેલ પર્યાવરણને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પ્રાચીન સ્વદેશી રમત મલખંભને વિશ્વમાં પ્રતિષ્ઠિત કરી જેના લીધે ૨૦૧૯ માં મુંબઈમાં તેનો વિશ્વકપ રમાયો તેનો ઉલ્લેખ કરતાં ગુજરાત જુડો મંડળના સચિવ શ્રી પાર્થ કંસારાએ જણાવ્યું કે વડોદરા આ રમતનો ઉજ્જવળ વારસો ધરાવે છે ત્યારે નેશનલ ગેમ્સમાં તેનો સમાવેશ અને વડોદરામાં તેનું સંભવિત આયોજન ખૂબ મોટા આનંદનો પ્રસંગ છે. આપણે આ આયોજનને સફળ બનાવીએ.

હેન્ડબોલની રમતનો પરિચય હજુ વડોદરામાં ઓછો છે એવી લાગણી વ્યક્ત કરતા આ રમત મંડળના સચિવ સુશ્રી રાવતે જણાવ્યું કે નેશનલ ગેમ્સની હેન્ડબોલની સ્પર્ધા વડોદરામાં યોજાવાની શક્યતા છે ત્યારે આ રમતને પ્રોત્સાહન મળશે અને શાળાઓમાં આ રમત પ્રચલિત થશે.

કાર્યક્રમમાં સૌએ આ સિદ્ધિ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ખેલ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને અભિનંદન આપ્યા હતા અને ગુજરાતને યજમાનપદ ની તક માટે પ્રધાનમંત્રીશ્રીને નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ખેલ મંત્રીશ્રી અનુરાગ ઠાકુરનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.