Western Times News

Gujarati News

દુકાનો અને ફ્લેટની લોભામણી જાહેરાતમાં ૩૧ ગ્રાહકો છેતરાયા હોવાની ફરિયાદ

Police FIR

ઝઘડિયા ખાતે  પુરુ બાંધકામ નહી કરીને ગ્રાહકો સાથે ૭૪ લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે દુકાનો ફ્લેટ અને રોહાઉસની સ્કીમ ચાલુ કરી ૩૧ જેટલા ગ્રાહકો સાથે કુલ રૂ.૭૪૫૩૦૦૦ જેટલી માતબર રકમની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નંધાતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનામાં એક મહિલા સહિત કુલ ૯ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

મળતી વિગતો મુજબ સુધીરભાઈ પટેલ, સુનિલભાઈ ચૌધરી અને રાજનભાઈ સોલંકી નામના ઇસમોએ વર્ષ ૨૦૧૦ માં ઝઘડિયાની વાલિયા ચોકડી પર સુલતાનપુરાની સીમમાં જમીન વેચાણ લીધી હતી.ત્યાર બાદ વિજયસિંહ રાજ અને રંજનબેન રાજ સહિત અન્ય કેટલાક ઈસમોએ આ જમીનમાં સાંઇવાટીકા નામની સોસાયટીનું બાંધકામ શરુ કર્યુ હતું અને ત્યાર બાદ દુકાનો ફ્લેટ તેમજ રો હાઉસનું બુકિંગ શરૂ કર્યુ હતું.

આ લોકોએ ગ્રાહકોને લોભામણી સ્કીમો બતાવીને સોસાયટીનું કામ જલ્દીથી પુર્ણ કરીને ગ્રાહકોને પજેશન આપી દેવાશે એમ જણાવ્યું હતું.ઝઘડિયાના જયેશભાઈ ખુમાનભાઈ પટેલે આ લોભામણી જાહેરાતથી આકર્ષાઇને તેમના પિતાના નામે એક દુકાન બુક કરાવી હતી.આ દુકાનની રૂ.સાડા છ લાખની કિંમત પેઠે જયેશભાઈએ કુલ રૂ.૨ લાખ બેન્ક ચેકથી ચુકવ્યા હતા.ત્યાર બાદ જયેશભાઈએ આ લોકો પાસે પજેશન લેટર માંગતા બહાના બતાવાતા હતા.

તેથી જયેશભાઈએ જમીનના એનએ ના કાગળો જોવા માંગતા તે પણ તેમને બતાડાયા નહતા અને ભરોસો રાખો ટુંક સમયમાં બાંધકામ ચાલુ કરી દઈશું, એમ કહીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ પણ શંકા જતા તેમણે આ લોકોનો સંપર્ક કરતા અમારે અંદર અંદર કેટલાક ટેકનીકલ ગુંચવાડા છે તેમ જણાવાયું હતું.

આ ઉપરાંત જયેશભાઈ સિવાયના અન્ય ગ્રાહકોએ પણ આ લોકોનો સંપર્ક કર્યો હતો.ત્યાર બાદ જયેશભાઈ સહિતના અન્ય ખરીદદારોએ સ્વખર્ચે દુકાનોમાં જરૂરી કામગીરી કરી હતી.સદર મિલકતમાં કરેલ કન્ટ્રક્શનનું કામ અધુરુ રાખીને આ ડેવલોપરોએ પાણી લાઈટ સહિતની આગળ જણાવેલ કોઈપણ સવલત આપી ન હતી.

જયેશભાઈ સહિતના કુલ ૩૧ ગ્રાહકોએ ફ્લેટ દુકાનો અને રો હાઉસની ખરીદી પેઠે કુલ રુ.૭૪ લાખ જેટલી માતબર રકમ ચુકવેલ હોવા છતાં સોસાયટીનું બાંધકામ અધુરૂ રાખીને તેમને પજેશન આપ્યુ ન હતું.આ બાબતે ઝઘડિયાના ટેકરા ફળિયા ખાતે રહેતા જયેશભાઈ ખુમાનભાઈ પટેલે સુધીરભાઇ કનૈયાલાલ પટેલ,સુનિલભાઇ હરિભાઈ ચૌધરી અને રાજનભાઈ કનુભાઈ સોલંકી ત્રણેય  રહે.

ભોલાવ ભરૂચ તેમજ સાંઇરાજ બિલ્ડર નામની કંપનીના જવાબદાર, રંજનબેન વિજયસિંહ રાજ અને વિજયસિંહ ચંદ્રસિંહ રાજ રહે.ઝાડેશ્વર ભરૂચ તેમજ પરેશ નીઝામા, ભરત પટેલ અને હરેન્દ્રસિંહ પરમાર નામની વ્યક્તિઓ સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.