Western Times News

Gujarati News

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયો

ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે –ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ૧૨.૦૫ કયુબીક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ

વહિવટીતંત્ર તરફથી સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને સાવધ રહેવા અપાઇ સૂચના

રાજપીપલા,નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ તા.૧૧ મી જુલાઈ,૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે ૦૬:૩૦ વાગ્યે તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે થતા ચોપડવાવ ડેમ આજે સાંજે ૫ સે.મી. થી છલકાયો છે.

Chopdavav dam in Sagbara taluka of Narmada district overflowed

(ઓવરફલો થયેલ છે) હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને હાલમાં ડેમમાં પાણીની ૧૫૦ ક્યુસેકની આવક સામે ૧૫૦ કયુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી ટેલીફોનીક જાણકારી આજે ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે.

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૧૨.૦૫ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવર, પાનખલા, કેલ, સાગબારા,

કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે ૧૦૨૦ હેક્ટર વિસ્તારને સિંચાઇના પાણીની સુવિધાનો લાભ મળશે.

ચોપડવાવ ડેમ છલકાવાના લીધે (ઓવરફ્લો થવાને લીધે) સંભવત: અસરગ્રસ્ત સીમઆમલી, ભવરીસવર, કેલ, પાટ અને પાંચપીપરી જેવા કુલ-૫ ગામોના લોકોને નદી કિનારે નાહ્વા ધોવા, કપડા ધોવા, માછીમારી માટે કે અન્ય કોઇ કારણોસર અવર-જવર ન કરવા માટે વહિવટીતંત્ર તરફથી જરૂરી સૂચનાઓ આપવાની સાથે સાવધ રહેવા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.