Western Times News

Gujarati News

ધોરાજી પાસે ભાદર-2 ડેમ છલોછલ, ૩૭ ગામને એલર્ટ કરવામાં આવ્યા

(એજન્સી) અમદાવાદ, રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર યથાવત છે. ત્યારે ધોરાજી પાસે આવેલો ભાદર ૨ ડેમ છલોછલ થઈ ગયો છે. જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો તેવું સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ડેમમાં વધુ પાણીની આવક થશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું પણ ડેમ સાઈટ તરફથી જણાવવામાં આવ્યું છે. આથી ડેમ હેઠળ આવતા ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોએ નદીના પટમાં ન જવું તેમજ નદી કાંઠાના ગામના લોકોને સર્તક રહેવા માટે ડેમ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.

રાજકોટ શહેર બાદ ગોંડલ પંથકમાં પણ બપોર પછી ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયા છે. ભાદર-૨ ડેમ છલોછલ થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જેમાં ધોરાજીના ભોળા, ભોલગામડા, છાડવાવદર અને સુપેડી ગામનો સમાવેશ થાય છે. ઉપલેટાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા અને ઉપલેટા ગામનો સમાવેશ થાય છે.

માણાવદરના વેકરી, ચીખલોદરા, બિલડી અને વાડાસડા ગામનો સમાવેશ થાય છે. કુતિયાણાના રોધડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર અને છત્રાવા ગામનો સમાવેશ થાય છે. તેમજ પોરબંદરના ગરેજ, ચીકાસ, નવીબંદર અને મિત્રાળા ગામનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.