Western Times News

Gujarati News

૨૪ કલાકમાં રાજ્યના ૧૦૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ

અમદાવાદ, ગુજરાત પર મેઘરાજા વિશેષ હેત વરસાવી રહ્યા છે. બુધવારે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયન રાજ્યના ૨૦૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૦૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. ૬૧ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.

૨૫ તાલુકા એવા છે જ્યાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના બે તાલુકામાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. બીજી તરફ આજે બુધવારે સવારે ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. સવારે બે જ કલાકમાં અહીં બે ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ગયો છે. વરસાદને પગલે શાહી, રૂપેણ સહિતની નદીઓમાં પૂર આવ્યા છે.

ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૦૧.૯૦ એમ.એમ. વરસાદ પડ્યો છે. આ સાથે જ અહીં સિઝનનો કુલ ૯૭.૫૪ ટકા વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં ૨૪ કલાકમાં સરેરાશ ૨૦.૨૪ એમ.એમ. વરસાદ પડ્યો છે.

અહીં સિઝનનો કુલ ૨૬.૨૫ ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬.૫૫ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ ૩૭.૯૨ ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સરેરાશ ૨૪.૯૪ એમ.એમ. વરસાદ પડ્યો છે, અહીં સિઝનનો કુલ ૪૭.૨૩ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાકમાં સરેરાશ ૭૩.૪૮ ટકા વરસાદ પડ્યો છે.

અહીં સિઝનનો કુલ ૫૭.૩૬ ટકા વરસાદ પડ્યો છે. આજે બુધવારે સવારે ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. જેના પગલે નદી-નાળા છલકાયા છે. ગીર ગઢડાથી ઉમેદપરા રોડ પર પાણી ફરી વળ્યા છે. રૂપેણ નદીમાં પૂરને કારણે રસ્તાઓ પાણી ફરી વળ્યા છે. બુધવારે સવારે ગીર-સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યો હતો. જિલ્લા પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે.

સવારે બેથી ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા ખેતરો તરબોળ થયા છે. કોડીનાર અને સુત્રાપાડામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અષાઢી બીજી બાદ સતત વરસાદથી એક ખેડૂતો ચિંતિત બન્યા છે. મંગળવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આખા ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદ યથાવત રહેશે.

ગુજરાત વિસ્તારમાં આજે અને કાલે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૨,૧૩ અને ૧૪ તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત વિસ્તારમાં ૧૫ તારીખથી વરસાદની પ્રવૃત્તિ ઘટશે.

જાેકે, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા નથી. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.