Western Times News

Gujarati News

અમદાવાદમાં ભારે વરસાદે નાના વેપારીઓને રોવડાવ્યા

અમદાવાદ, અમદાવાદમાં પાછલા અઠવાડિયે થયેલા તોફાની વરસાદના કારણે ભારે નુકસાન ખાનગી અને સરકારી વ્યવસ્થાઓને થયું છે. જેમાં વેપાર, ઉદ્યોગ અને જાહેર મિલકતને ૧૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉદ્યોગના હિતધારકો દ્વારા આ નુકસાન અંગે અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર થઈ રહેલા ભારે વરસાદના લીધે પાણીનો ભરાવો થતાં ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે.

આ સિવાય, કમર્શિયલ કોમ્પ્લેક્ષના ભોંયરાઓ અને ઓફિસ બિલ્ડિંગો ડૂબી જવાથી, સાધનોને વ્યાપક નુકસાન થયું છે. આજે તથા આવતીકાલે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હજુ નુકસાનનું આકલન કરી રહ્યા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચરમેન પ્રતિક પટવારીએ જણાવ્યું છે કે, “રસ્તાઓ પર પાણી ભરાયા છે અને પરિવહન પર તેની માઠી અસર પડી છે તેના કારણે વેપાર-ઉદ્યોગ પ્રભાવિત થયા છે.”

તેમણે કહ્યું “આ રાજ્યની હાલની સૌથી મોટી તકલીફ છે. શહેરની અંદર આવેલી ઓફિસ, દુકાનો અને ગોડાઉન કે જે ભોંયરામાં આવેલા છે ત્યાં સાધન સંપત્તિને મોટું નુકસાન થયું હોવાનું આકલન કરવામાં આવી રહ્યું છે. પાણી ઓસર્યા પછી જ સંપૂર્ણ નુકસાનનું આકલન કરી શકાશે.

પશ્ચિમ અમદાવાદમાં શ્યામલ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા જાણીતા પ્લાઝામાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લગભગ ૨૫ જેટલી દુકાનોમાં રાખેલા સામાનની સાથે ફર્નિચર સહિતને મોટું નુકસાન થયું છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના ચેરમેન જયેન્દ્ર તન્ના જણાવે છે કે, આ અસરગ્રસ્ત વિસ્તારના છૂટક વેપારીઓ જણાવે છે કે તેમને પ્રિન્ટિંગના વેપારને મોટું નુકસાન થયું છે. રૂપિયા પણ ધોવાઈ ગયા છે અને ફર્નિચરને પણ ભારે નુકસાન થયું છે.

જયેન્દ્ર તન્ના જણાવે છે કે, ૧૨૦૦ કરોડના નુકસાનમાંથી ૨૫% નુકસાન નાના વેપારીઓને થયું છે. જેમની પાસે ઈન્શ્યોરન્સ કવર પણ નહોતો. તેમણે વધુમાં જણાવ્યું કે, “આ વેપારીઓ કટલરી, હોઝિયરી અને પ્રિન્ટિંગ સહિતના અન્ય વસ્તુઓના વેપાર કરે છે.

અમને આશા છે કે સરકાર આ અંગે કમિટિ બનાવે અને નુકસાનનું આકલન કરશે અને તેની યોગ્ય ભરપાઈ કરશે. કોમર્શિયલ બિલ્ડિંગના ભોંયરામાં જેમની દુકાન અને રેસ્ટોરન્ટ હતા કે ગોડાઉન હતા તેમને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

શહેરમાં વરસાદના કારણે ૧૫૦૦ જેટલા વાહનોને નુકસાન થયું હોવાની સંભાવના છે. ટુ-વ્હીલર અને ગાડીઓની વર્કશોપની બહાર રિપેરિંગ માટે લાઈન લાગી ગઈ છે. અમદાવાદ શહેરમાં તથા ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં આજે તથા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે ફરી એકવાર તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.