ગુજરાતના યુવાનોને નજીવી ફી લઈ ડ્રોન પાયલટની તાલીમ અપાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/drone.jpg)
નજીકના ભવિષ્યમાં આવનારી ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા તથા આ ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવા રાજ્ય સરકારનું નક્કર આયોજન: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી
ડ્રોન પાયલટની તાલીમ મેળવનાર સમગ્ર દેશમાં પ્રથમ – ‘કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી’
‘કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી’ ખાતે ૬૦ ડ્રોન ઇન્સ્ટ્રકટર તૈયાર કરાયા : ડ્રોન મેન્યુફેકચરીંગ એન્ડ સર્વીસીસ, ડ્રોન ડેટા પ્રોસેસીંગ એન્ડ એનાલીટીક્સ જેવા આવશ્યક અભ્યાસક્રમો પણ તૈયાર કરાયા
કલોલ તાલુકાના ભોયણ રાઠોડ ગામ સ્થિત સ્વર્ણિમ સ્ટર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે ડ્રોન ટેકનોલોજી સંબધિત તાલિમ અપાશે: રાજ્યની ૫૦ આઇ.ટી.આઇ ખાતે તાલિમ વ્યવસ્થા શરૂ કરાશે
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ ડ્રોન ટેકનોલોજી એક વિકસિત થઈ રહેલુ ક્ષેત્ર છે તેમ જણાવતા કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં ડ્રોન ટેકનોલોજી મહત્વની સાબિત થશે.
ત્યારે ડ્રોન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છંટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થવાની સંભાવના છે.
જેથી આવનારા સમયમાં તાલીમબધ્ધ ડ્રોન પાયલટની માંગ વધશે. નજીકના ભવિષ્યમાં આવનારી આ ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા રાજ્ય સરકારનું નક્કર આયોજન છે. વર્તમાન પરસ્થિતિમાં રૂ.૫૦ હજાર થી રૂ.૭૦ હજાર જેટલી ફી લઈ ડ્રોન તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારે રાજ્ય સરકાર નજીવી ફી થી આ તાલીમ આપશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવતાં કહ્યું કે, ડ્રોન પાયલટ તાલીમ ખૂબ જ સંવેદનશીલ તેમજ જાહેર સુરક્ષાને સ્પર્શતી હોઇ ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન વિભાગ દ્વારા કડક મંજૂરી પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. રોજગાર અને શ્રમ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાની આગેવાનીમાં રાજ્યની “કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી” દ્વારા
આ માટે આગોતરું આયોજન હાથ ધરી આ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા ચકાસણી બાદ ગુજરાતની ‘કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી’ને ડ્રોન પાયલટ તાલીમ માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકારની મંજૂરી મેળવનાર સમગ્ર દેશમાં રાજ્યશાસીત આ પ્રથમ યુનિવર્સિટી છે. જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી’ને મંજૂરી મળતા હવે રાજ્યના યુવાધનને ઘર આંગણે પરવડે તેવી કિંમતે આ તાલીમ મળી શકશે, જે રોજગારી- સ્વરોજગારીની નવી તકો ઉભી કરવા સાથે કૃષિ તથા ઉદ્યોગોને પણ તેઓની ઉત્પાદકતા વધારવામાં સહાયરૂપ થશે.
યુનિવર્સિટી ખાતે ૬૦ જેટલા ફેકલ્ટીને ડ્રોન ઇન્સટ્રકટર તરીકે તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી ધ્વારા સમગ્ર ડ્રોન ઉદ્યોગને વધુ સક્ષમ બનાવવા ડ્રોન મેન્યુફેકચરીંગ એન્ડ સર્વીસીસ, ડ્રોન ડેટા પ્રોસેસીંગ એન્ડ એનાલીટીક્સ જેવા આવશ્યક અભ્યાસક્રમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જે રાજ્યના યુવા ધનને ડ્રોન ટેકનોલોજીમાં ઊભી થનાર રોજગારી માટે તૈયાર થવાની વિપુલ તકો પૂરી પાડશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કલોલ તાલુકાના ભોયણ રાઠોડ ગામ સ્થિત સ્વર્ણિમ સ્ટર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે આ તાલીમ અપાશે. ત્યાર બાદ રાજ્યની ૫૦ આઇ.ટી.આઇ ખાતે તાલીમ વ્યવસ્થા શરૂ કરાશે.