તેના માટે પૈસા નહીં પ્રેમ મહત્વનો સુષ્મિતાનો એક્સ-બૉયફ્રેન્ડ
મુંબઈ, સોશિયલ મીડિયા પર માત્ર એક જ વાતની ચર્ચા છે અને તે છે સુષ્મિતા સેન અને લલિત મોદીનું લવ અફેર. લલિત મોદીએ જ્યારે તેના ટિ્વટર હેન્ડલ પર સુષ્મિતા સેન સાથેની અંગત તસવીરો શેર કરી અને તેમના સંબંધો ઓફિશિયલ કર્યા ત્યારે તેના ફેન્સને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. એક્ટ્રેસ અત્યારે લલિત મોદીને ડેટ કરી રહી હશે તેવું સપનામાં પણ વિચાર્યું નહીં હોય.
સુષ્મિતા સેનની ઉંમર ૪૬ વર્ષ છે જ્યારે લલિત મોદી ૫૬ વર્ષના છે અને બે બાળકોના પિતા છે. ત્યારે હવે સુષ્મિતા સેનના એક્સ-બૉયફ્રેન્ડ એવા ફિલ્મમેકર વિક્રમ ભટ્ટે પ્રતિક્રિયા આપી છે. સુષ્મિતા સેન અને બોલિવૂડ ફિલ્મમેકર વિક્રમ ભટ્ટે લગભગ ૨ વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતું.
ત્યારે હવે વિક્રમ ભટ્ટે કહ્યું કે સુષ્મિતા સેન માત્ર પૈસા વિશે વિચારે એવી વ્યક્તિ નથી. વિક્રમ ભટ્ટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ‘જ્યારે સુષ્મિતા સેન મારા પ્રેમમાં પડી ત્યારે મારી પાસે રૂપિયા નહોતા. હું ‘ગુલામ’ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો હતો અને મારી પાસે પૈસા નહોતા.
ત્યારે સુષ્મિતા સેન મને પહેલી વખત અમેરિકા લઈ ગઈ અને મારી ટ્રિપનો પણ ખર્ચો ઉઠાવ્યો. ત્યારે મારી પાસે પૈસા નહોતા. સુષ્મિતા સેન માટે પૈસા નહીં પણ પ્રેમ મહત્વનો છે’. અહીં નોંધનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેન અને ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ વચ્ચે ઉંમરમાં ૮ વર્ષનો તફાવત છે.
ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની જાણીતી ફિલ્મો ગુલામ, કસૂર, રાઝ, આવારા પાગલ દીવાના, ૧૯૨૦, શાપિત, ફૂટપાથ, અનકહી વગેરે છે. લલિત મોદી સાથેના અફેરની ચર્ચા દરમિયાન સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે ‘હું મારા હેપ્પી પ્લેસમાં છું.
ના તો મારા લગ્ન થયા છે અને ના તો સગાઈ થઈ છે. હું કોઈપણ શરત વિનાના પ્રેમમાં છું. હવે તમે પણ પોતાના કામમાં પરત ફરો. મારી ખુશી શેર કરવા બદલ આભાર. હું તમને બધાને પ્રેમ કરું છું. સુષ્મિતા સેને ના તો લલિત મોદી સાથે કોઈ તસવીર શેર કરી છે.
પરંતુ તેના એક્સ-બોયફ્રેન્ડ રોહમન શૉલે એક વેબ પોર્ટલ સાથે આ અંગે ચોક્કસથી રિએક્શન આપ્યું છે. રોહમન શૉલે કહ્યું હતું કે ‘ચાલો તેમના માટે ખુશ થઈએ ને. પ્રેમ સુંદર છે. હું માત્ર એટલું જ જાણું છું કે, તેણે કોઈને પસંદ કર્યો છે, તો તે તેના માટે યોગ્ય છે’.
સુષ્મિતા સેને તેનાથી ૧૬ વર્ષ નાના રોહમન સાથે ડિસેમ્બર, ૨૦૨૧માં બ્રેકઅપ કર્યું હતું. તેણે આ સાથે લખ્યું હતું ‘અમે મિત્રો તરીકે શરૂઆત કરી, અમે મિત્રો રહીશું!!SS1MS