Western Times News

Gujarati News

૪૮.૩ર કરોડના ખર્ચે જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના ૯.૯ હેક્ટર વિસ્તારનો વિકાસ થશે 

જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરનો અદ્યતન વિકાસ કરાશે  રીંગરોડ-એમ્બેકમેન્ટ-પ્રોમિનાડ-વોક વે જેવી સુવિધા ઊભી કરાશે

લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટને રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી- જૂનાગઢમાં પ્રવાસનનું એક નવું નજરાણું મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે.  9.9 hectare area of Narsingh Mehta Lake in Junagadh will be developed at a cost of Rs 48.3 crore.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૪૮.૩ર કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલ રૂ. ૧૯.૪૯ કરોડ ઉપરાંત આ ર૮.૮૩ કરોડ રૂપિયા સ્પેશ્યલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા છે.

જૂનાગઢના આ નરસિંહ મહેતા સરોવરના ૯.૯ હેક્ટર વિસ્તારનો કુલ રૂ. ૪૮.૩રના ખર્ચે બે તબક્કામાં વિકાસ કરવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલિકાએ આ લેક ડેવલપમેન્ટ માટેનો જે માસ્ટર પ્લાન રજુ કર્યો છે તે મુજબ તળાવને ફરતે રીંગરોડ, એમ્બેકમેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ, વોક વે, એમ્નીટીઝ બ્લોક, પાર્કિંગ, પ્રવેશ દ્વાર, બોટીંગ ડોક, ઘાટ, ગાર્ડન, ટ્રી-પ્લાન્ટેશન, લાઇટ પોલ્સ, પક્ષીઓના આકર્ષણ અર્થે આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવેલો છે.

તળાવના આજુબાજુના એરીયાની ગટરનું પાણી તળાવમાં ભળતુ અટકાવવા માટે ઇન્ટરસેપ્શન ડ્રેનેજ લાઇન તથા પમ્પીંગ સ્ટેશનની કામગીરી અમૃત સ્કીમ અંતર્ગત રૂ. ૧૦.૦૦ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવી છે.

નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસનો આ પ્રોજેક્ટ પુર્ણ થવાથી આજુબાજુની અંદાજીત ૩૦,૦૦૦ની વસ્તીવાળા રહેણાંક વિસ્તારને ફાયદો થશે.

એટલું જ નહિ, શહેરની મધ્યમાં રીંગરોડ તથા પાર્કીંગ બન્યેથી ટ્રાફીકની સમસ્યા દુર થશે તથા તળાવનું ડેવલોપમેન્ટ કાર્ય પુર્ણ થતાં શહેરીજનો તથા જૂનાગઢ આવનારા પ્રવાસીઓને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું ભેટ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.