રિવરફ્રન્ટ અપર પ્રોમિનાડ પર ઈ-સ્કૂટર ભાડે લઈને ફરી શકાશે
મ્યુનિ. તંત્ર દ્વારા ઈ-સ્કૂટર પ્રોજેકટ માટે કોન્ટ્રાકટરો પાસેથી દરખાસ્ત મગાવાઈઃ લોઅર પ્રોમિનાડમાં ૧૦૦ ઈ-સ્કૂટરની વ્યવસ્થા ઉભી કરાશે
અમદાવાદ, શહેરીજનો માટે સાબરમતી નદીના બંને કાંઠાને કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયા છે. આ માટે મ્યુનિ. તંત્રે પહેલા તબક્કા હેઠળ વિવિધ આકર્ષણના કેન્દ્રો રિવરફ્રન્ટ ખાતે ઉભા કર્યાં છે. રિવરફ્રન્ટના બંને કાંઠાના લોઅર પ્રોમિનાડ અને અપર પ્રોમિનાડ સહેલાણીઓને આકર્ષી પણ રહ્યા છે
તેમાં વૃદ્ધિ કરવા માટે સત્તાવાળાઓ આગામી દિવસોમાં ઈ-સ્કૂટરનો પ્રોજેકટ અમલમાં મુકવા ગંભીર બન્યા છે. જાે બધું સાંગોપાંગ પાર ઉતરશે તો સહેલાણીઓ રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડમાં ઈ-સ્કૂટર ભાડેથી મેળવીને પરિવાર સાથે લટાર મારી શકશે. આ સુવિધા પશ્ચિમ અને પૂર્વ એમ બંને કાંઠે પુરી પડાશે.
સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠાને સત્તાધીશો ચાલુ ચોમાસામાં રૂ.૧.પ૦ કરોડના ખર્ચે અઢી લાખ રોપા વાવીને ગ્રીન રિવરફ્રન્ટ બનાવવા જઈ રહ્યા છે. હાલમાં રિવરફ્રન્ટમાં બે લાખથી વધુ વૃક્ષ છે. પશ્ચિમ કાંઠાના આંબેડરક્રિજ પાસેના બાયો ડાઈવર્સિટી પાર્કમાં જ લુપ્ત થતી વનસ્પતિની પ્રજાતિઓનો સમાવેશ ધરાવતા ૬૦ હજારથી વધુ વૃક્ષ છે.
રિવરફ્રન્ટના બંને કાંઠાને જાેડનારો ભવ્ય ફૂટ ઓવરબ્રિજ પણ બનીચુકયો છે. સહેલાણીઓ આ ફૂટ ઓવરબ્રિજ ખાતે સેલ્ફી લેવાનો આનંદ માણી રહ્યા છે. આ ઉપરાંત બીજા તબક્કામાં રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાઈ રહ્યો છે.
આમ સાબરમતી રિવરફ્રન્ટ લોકોને લોભાવનારો તો બની જ ગયો છે, પરંતુ હવે તંત્રે ભાડેથી અપાતી સાઈકલની જેમ સહેલાણીઓ માટે ભાડેથી ઈ-સ્કૂટર આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. છેલ્લ ત્રણ ચાર વર્ષથી સહેલાણીઓ ભાડેથી સાઈકલ મેળવીને તેને લોઅર પ્રોમિનાડમાં ચલાવી રહ્યા છે. જાેકે આગામી દિવસોમાં સહેલાણીઓને સાઈકલ ઉપરાંત ઈ-સ્કૂટરનો વિકલ્પ ઉપલબ્ધ થાય છે તે માટેની કવાયત હાથ ધરઈા છે.
તંત્ર દ્વારા ઈ-સ્કૂટરને ભાડેથી મેળવવા માટે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ મગાવાઈ છે, જેમાં કોન્ટ્રાકટરો તેમની દરખાસ્ત રજૂ કરશે અને જે કોન્ટ્રાકટરની દરખાસ્ત આવકની દ્રષ્ટિએ તંત્રને સારી લાગશે તેને ઈ-સ્કૂટરનો પ્રોજેકટ સોપાશે. તંત્ર દ્વારા પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠા પર ત્રણ-ત્રણ સ્થળને ઈ-સ્કૂટર ભાડેથી લેવા માટે પસંદ કરાયા છે.
સહેલાણીઓ પશ્ચિમ કાંઠાના લોઅર પ્રોમિનાડ પર ઈ-સ્કૂટરને પ્રતિ અડધા કલાકના ભાડેથી લઈને લટાર મારી શકે તે માટે હાલ ત્રણ સ્થળ નકકી કરાયા છે, જેમાં વલ્લભસદન, ઉસ્માનપુરા અને ફ્રૂટ ઓવરબ્રિજના પશ્ચિમ છેડાનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા પૂર્વ કાંઠા પર નારણઘાટ, સરદારબ્રિજનો પૂર્વ છેડો તેમજ ફૂટ ઓવરબ્રિજના પૂર્વ છેડા પર સહેલાણીઓને ભાડેથી ઈ-સ્કૂટર મળી રહે તે માટે વિચારણા હાથ ધરાઈ છે. હાલના તબક્કે પશ્ચિમ કાંઠાના ત્રણ અને પૂર્વ કાંઠાના ત્રણ મળીને કુલ છ સ્થળેથી આ પ્રોજેકટ હાથ ધરાશે.