નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર સહિત ૨ જણાને પિસ્તોલ સાથે ઝડપાયા

એસઓજીની ટીમે રાત્રે ઓપરેશન પાર પાડ્યું, પિસ્તોલ, બે જીવતા કારતૂસ, એક છરો-રામપુરી જપ્ત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ એસઓજીની ટીમે ૧ પિસ્તલ, ૨ જીવતા કારતૂસ તેમજ ૧ છરો અને રામપુરી ચપ્પુ લઇને ફરતાં એક નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર સહિત ૨ જણાને ઝડપી પાડ્યાં હતાં. રાત્રીના ૨થી ૪ વાગ્યાના સમયગાળામાં જંબુસર બાયપાસથી હૂસેનિયા સોસાયટી સુધી પોલીસે પિછો કરી બન્નેને દબોચ્યાં હતા.બનાવના પગલે તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ શિફ્ટ કારમાં બે શખ્સો હથિયાર લઈને ફરે છે અને તેઓ દેરોલથી ભરૂચ તરફ આવી રહ્યાં છે.જેના પગલે ટીમે જંબુસર બાયપાસ ચોકડી પાસે વોચ ગોઠવતાં બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં ટીમે તેનો પિછો કરી હુસેનિયા સોસાયટ નજીક ફાટક પાસે કારને રોકી હતી.
કાર ચાલક અને તેના સાથીનું નામ પુછતાં કાર ચલાવનાર નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર ઈમરાન શોકત ખીલજી (રહે.વસીલા સોસાયટી) તેમજ તેની સાથેના શખ્સનું નામ સઈદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલ (રહે. ઝીનત બંગ્લોઝ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમનું ચેકિંગ કરતાં ઈમરાન ખિલજીએ એક પિસ્તલ તેના પેન્ટમાં પાછળના ભાગે ખોંસી રાખેલી મળી આવી હતી.
જેમાં બે જીવતાં કારતૂસ પણ મળ્યા હતા.ઉપરાંત સઈદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલે પણ તેના કમરના ભાગે એક છરો જ્યારે પેન્ટના ખિસ્સામાં એક રામપુરી ચપ્પુ મુકેલું મળી આવ્યું હતું.ટીમે મારક હથિયારો તેમજ કાર મળી કુલ ૩.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર સામે બી ડિવિઝન પોલીસ મથકમાં હથિયારો રાખવા બાબતે ચાર ગુના દાખલ થઈ ચૂક્યા છે અને ઈમરાન સોકત ખીલજીએ અગાઉ બાયપાસ ચોકડી નજીક ફાયરિંગ કરી હતી અને તેમાં એક વ્યક્તિને ઈજા પણ થઈ હતી
અને આમ ઇમરાન સોકત ખીલજી સામે બી ડિવિઝન પોલીસ મથકમાં જ ગંભીર પ્રકારના ચાર ગુના દાખલ થયા છે.
હથિયારો સાથે ઝડપાયેલા સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાક પટેલ રહેજ જીન્નત બંગ્લોઝ બાયપાસ રોડ ભરૂચનાઓ સામે ગુજરાતમાં અલગ અલગ પોલીસ મથકો જેવા કે નવસારી ટાઉન,અંકલેશ્વર રૂરલ ભરૂચ રૂરલ તથા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ૧૩ જેટલા ગુના નોંધાયેલા છે.
જેમાં સૌથી વધુ બી ડિવિઝન પોલીસ મથકમાં ૯ ગુના દાખલ થયા છે.જેમાં લૂંટ,મહિલાઓની છેડતી તથા મારામારી સહિત હથિયારો હેરાફેરી કરવા સહિતના ગુનાઓનો આરોપી હોવાનું સામે આવ્યું છે.