બાપુનગરની ચાલીમાં રૂમ ભાડે રહેતો હતો રાજસ્થાનનો ગેંગસ્ટર
ગુજરાત ATSએ બાપુનગરમાંથી ધરપકડ કરી-બીકા પર ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી સહિતના ૩૫ ગુના નોંધાયેલા છે-રાજસ્થાનનો ગેંગસ્ટર અરવિંદ બીકાની બાપુનગરમાંથી ઝડપાયો
અમદાવાદ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે સોમવારે સાંજે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદ સિંહ બીકાને બાપુનગરના હીરાવાડીમાંથી પકડી પાડ્યો હતો. તેના પર ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી અને પોલીસ પર ગોળીબાર સહિતના ૩૫ ગંભીર ગુના નોંધાયેલા છે.
એટીએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બીએચ કોરાટને ઇનપુટ મળ્યા હતા કે બીકા શહેરના હીરાવાડી વિસ્તારમાં કાર ચોરી કરવા માટે આવ્યો છે અને તેની પાસે હથિયારો હતા. જેથી ગુજરાત એટીએસની એક ટીમ હીરાવાડીમાં તૈનાત કરવામાં આવી હતી, કારણ કે તેઓને ખબર પડી કે તેણે એક ચાલીમાં રૂમ ભાડે લીધું છે.
ત્યારબાદ પોલીસે શોધખોળ શરૂ કરી અને સોમવારે સાંજે પોલીસે બિકાને હીરાવાડી ચોકડી તરફ ચાલતા જાેયો અને પીછો કરવાનું શરૂ કર્યું અને મોકો મળતા જ ઝડપી લીધો. એટીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસને તેના કબજામાંથી એક લોડેડ પિસ્તોલ અને પાંચ કારતૂસ મળી આવ્યા હતા.
તેમની બેગમાંથી એક પિસ્તોલ અને દેશી બનાવટની રિવોલ્વર પણ મળી આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે બીકા શહેરમાં અથવા ઉત્તર ગુજરાતમાં લૂંટ કરવા માટે કારની ચોરી કરવા શહેરમાં આવ્યો હતો. ગુનાને અંજામ આપ્યા બાદ તે રાજસ્થાન ભાગી જવાનો હતો.
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે મંગળવારે તેની સામે આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. એટીએસ અધિકારીએ જણાવ્યું હતું કે બીકા અને તેની ગેંગના લગભગ ૫૦ સભ્યો ૨૦૧૭-૧૮માં ગુજરાતમાં સક્રિય હતા.
ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૧૮માં બિકા ગેંગના સભ્યો પિન્ટુ સિંઘ, અરવિંદ સિંહ રાઠોડ, દિનેશ બાપજી, વિનોદ માલવિયા અને પ્રતાપ સિંહે શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો જ્યારે તેઓએ ઘરફોડ ચોરીને પકડવા માટે કઠવાડામાં એક એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી.