Western Times News

Gujarati News

ખાંભાના મોટા સમઢીયાળા ખાતે વૃદ્ધ મહિલાની હત્યા

ઘટનાને પગલે અમરેલી એસપી સહિત મોટી સંખ્યામાં કાફલો પહોંચ્યો અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે

અમરેલી,  ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ખાતે વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ વૃદ્ધ મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી અને તેમના પતિને ગંભીર ઈજા પહોંચાડી છે. ઘટનાને પગલે અમરેલી એસપી સહિત મોટી સંખ્યામાં કાફલો પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા પોતાના રૂમમાં વૃદ્ધ દંપતી સુતા હતા અને રાત્રે કે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી લૂંટના ઇરાદે આવ્યા હોય અને વૃદ્ધ મહિલા કમળાબેનની ઘટના સ્થળે હત્યા કરી હતી તેમજ તેમના પતિને ગંભીર ઇજા પહોંચાડી હતી.

જે ઘટના બાબતે તેમના નજીકના જ ભત્રીજા વિપુલભાઈને ટેલીફોનિક જાણ કરવામાં આવતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળે આવીને જાેયું તો હરજી કાકા બેભાન અવસ્થામાં હતા અને તેમના કાકી કમળાબેન મૃત અવસ્થામાં અને લોહી લુહાણ અવસ્થામાં હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી અને અમરેલી જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ આરંભી હતી.

મોટા સમઢીયાળા ખાતે વૃદ્ધ દંપતીને ખંડિત કરવાની ઘટનાના સમાચાર વાયુવેગે પહોંચી જતા આ વિસ્તારના ધારાસભ્ય જે.વી કાકડિયા તેમજ આસપાસના અગ્રણીઓએ પણ ઘટના સ્થળે જઇ મુલાકાત લીધી હતી. ધારાસભ્યને પોલીસ વિભાગે ખાત્રી પણ આપી હતી કે આમાં તટસ્થ તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને પકડી લેવામાં આવશે.

ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયાનું પ્રાથમિક અનુમાન એવું છે કે લૂંટ કરવાના ઇરાદે કે ચોરી કરવાના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ વૃદ્ધ મહિલા કમળાબેનની હત્યા કરી હતી. અને તેમના પતિ હરજીભાઈ ને ગંભીર રીતે ઘાયલ કરતા પ્રથમ અમરેલી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યા છે.

નાનકડા એવા મોટા સમઢીયાળા ગામમાં કરવામાં આવેલી ક્રૂર હત્યાની ઘટનાને પગલે અમરેલી જિલ્લા પોલીસ અધિકારી તેમજ એલસીબી એસ.ઓ.જી તેમજ ફિંગર પ્રિન્ટ ટીમ અને એફએસીએલ ટીમ સહિતના પોલીસ ની જુદી જુદી ટીમો સમઢીયાળા ખાતે આવી હતી.

ટીમે ઘટના સ્થળની મુલાકાત લઇ વિવિધ દિશામાં તપાસ કરી હત્યાના સુરાગ શોધવાના પ્રયાસ આરંભ્યા હતા. જ્યારે પ્રાથમિક અનુમાન મુજબ હત્યા શા માટે કરવામાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તેમજ તેમના નજીકના ભત્રીજા વિપુલભાઈની ફરિયાદ પણ હાલ નોંધાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે લૂંટના ઇરાદે કરવામાં આવી હત્યાની ઘટના ના ઘેરા પડઘા પડ્યા છે. હરજીભાઈ અને કમળાબેન બંને એકલા જ અહીં રહેતા હતા પરિવાર બાળકો બધા સુરત રહે છે. કોઈ સાથે તેમને પણ બનાવ કે દુશ્મનાવટ નહીં હોવાની પણ વાત જાણવા મળી છે. ત્યારે પોલીસની વિવિધ ટીમો આ હત્યારાઓને શોધવા માટે પ્રયાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.