Western Times News

Gujarati News

હેન્ડબોલ રમવાની શરૂઆત યુરોપના દેશોમાં થઈ હતી

૩૬ મી નેશનલ ગેમ્સની હેન્ડબોલ સ્પર્ધાઓ વડોદરાના આંગણે રમાશે-વડોદરાના રમતપ્રેમીઓને દેશના ટોચના હેન્ડબોલ ખેલાડીઓની ખેલ નિપુણતા જોવા મળશે

આલેખન – સુરેશ મિશ્રા

વડોદરા, દેશમાં કે વિશ્વમાં વિવિધ કદ અને સામગ્રીનો બનેલો દડો કેન્દ્રમાં હોય એવી રમતોનું પ્રમાણ વધુ છે જેમ કે ક્રિકેટ,ટેબલ ટેનિસ,લોન ટેનિસ,ફૂટબોલ,હોકી, વૉલીબૉલ,બાસ્કેટ બોલ ઇત્યાદિ.આ યાદીમાં હેન્ડબોલ પ્રમાણમાં નવી ગણાય તેવી રમત છે જે ૧૯૦૦ ની આસપાસ યુરોપના દેશોમાં રમાવાની શરૂઆત થઈ અને એની ટીમો બની.

ગુજરાતે પહેલીવાર ૩૬ મી નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે જેમાં દેશના ૩૬ રાજ્યો/ સંઘ પ્રદેશોના ખેલાડીઓ વિવિધ ૩૬ રમતોમાં રાષ્ટ્રીય વિજેતા બનવા રમશે.

આ પૈકી હેન્ડબોલની સ્પર્ધાઓ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માં યોજાવાની છે અને તે નિમિત્તે દેશના ટોચના હેન્ડબોલ પ્લેયર્સ ની રમત કુશળતા શહેરના રમતપ્રેમીઓ ને માણવા મળશે.ત્યારે આ રમતનો આછેરો પરિચય મેળવીએ.

શહેરની પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલના ખેલ પ્રશિક્ષક શશી રાજેન્દ્રસિંહ રાવત હેન્ડબોલના નિપુણ ખેલાડી તરીકે ૧૮ થી વધુ નેશનલ સ્પર્ધાઓ રમી ચૂક્યા છે.તેઓ કહે છે કે વડોદરાની રમત સંસ્થાઓ અને શાળાઓમાં આ રમત હજુ એટલી બધી લોકપ્રિય બની નથી.

પરંતુ આ રમતના ૫ થી વધુ પૂર્વ નેશનલ મહિલા પ્લેયર સહિત  વડોદરામાં ૧૫ જેટલા નામાંકીત પુરુષ/ મહિલા ખેલાડીઓ  છે.આ પૈકી નવરચનામાં હાલમાં કાર્યરત ઇન્દુ મેડમ અને પરવીન શર્માનો સમાવેશ ગુજરાતના પહેલા એન.આઇ.એસ. પ્રશિક્ષિત કોચીસમાં થાય છે. બ્રાઈટ સ્કૂલના ચિત્રા મેડમ બે વાર ઇન્ટર નેશનલ રમી ચૂકેલા અનુભવી પ્રશિક્ષક છે.

શહેરની જૂજ શાળાઓ પાસે આ રમતના કોર્ટ છે.જો કે નેશનલ ગેમ્સની સ્પર્ધાઓ સમા રમત સંકુલમાં યોજાવાની છે.        શશીબહેન જણાવે છે કે ૧૯૭૦ પછી દેશમાં હેન્ડબોલ રમાવાની શરૂઆત થઈ અને હાલ દેશના મોટા ભાગના રાજ્યોમાં,ભલે ઓછા પ્રમાણમાં પણ આ રમત રમાય છે.

તેનો સમાવેશ આમ તો ઓલિમ્પિકમાં પણ થયો છે અને તેના નિપુણ અને ઉચ્ચ કક્ષાએ રમેલા ખેલાડીઓ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સરકારી સંસ્થાઓમાં નોકરીને પાત્ર છે.

વડોદરા નજીક સ્થપાયેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં હેન્ડબોલ કોચિંગનો ૬ સપ્તાહનો કોર્સ ચલાવવામાં આવે છે.પટિયાલા એન.આઇ.એસ.માં ૨ વર્ષનો કોર્સ ચાલે છે.

આ રમતની શરૂઆત મેદાની રમત તરીકે થઈ અને હવે તે ઇન્ડોર ગેમ તરીકે પણ રમાય છે.રાજ્યના ખેલ મહાકુંભમાં પણ હેન્ડબોલ રમાય છે અને કચ્છ દેરડી,ભાવનગર, ગાંધીનગર, કડી સર્વ વિદ્યાલયની, સાઈની ટીમો આ રમતમાં કુશળ ગણાય છે.ગુજરાતનું ગાંધીનગર આ રમત થી ધમધમે છે,કદાચ ગુજરાતમાં આ રમત રમવાની શરૂઆત જ અહી થી થઈ હતી.

એસ.ઓ.જી દ્વારા જિલ્લા રમત શાળાઓના કોચિંગમાં આ રમતના સમાવેશથી તેને પ્રોત્સાહન મળ્યું છે.વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારની મોટા ફોફ્લીયા ખાતેની સી. એ.પટેલ સ્કૂલમાં તેનો કોર્ટ ઉપલબ્ધ છે.

ગુજરાત હેન્ડબોલ એસોસિએશન ના અધ્યક્ષ ડો.મનુભાઈ ભરવાડ અને સચિવ પ્રવીણસિંઘ રાજ્યમાં આ રમતને વ્યાપક અને લોકપ્રિય બનાવવા ખૂબ જહેમત લઈ રહ્યાં છે અને ખેલૈયાઓ ઉચ્ચ કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક ઉપલબ્ધ કરાવીને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

૩૬ મી નેશનલ ગેમ્સ હેઠળ તેની સ્પર્ધાઓ વડોદરામાં યોજાતા આ રમતને પ્રોત્સાહન મળશે. વડોદરામાં આ રમત વધુ લોકપ્રિય બનશે એવો તેમને વિશ્વાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.