Western Times News

Gujarati News

મ્યુનિ. હદમાં ૩પ વર્ષ પહેલા ભેળવાયેલા નારોલનો વિકાસ કયારે?

નારોલમાં વરસાદી પાણી હજી ઓસર્યા ન હોવાથી મ્યુનિ. હોદ્દેદારોએ સ્થળ મુલાકાત કરી

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કેટલો અને કેવો વિકાસ થયો છે ? તેનો ખ્યાલ ચોમાસાની સીઝનમાં આવે છે. શહેરમાં ૧૦ અને ૧ર જુલાઈએ ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા તે બાબત સમજી શકાય તેમ છે. પરંતુ છેલ્લા ચાર દિવસમાં માત્ર ઈંચ વરસાદ થયો હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

જેનો નિકાલ હજી સુધી થયો નથી. મ્યુનિ. હોદ્દેદારો નાગરીકોને થતી હાલાકીનો તાગ મેળવવા નારોલ, વટવા અને વસ્ત્રાલ મા સ્થળ તપાસ માટે નીકળ્યા હતા. જે દરમ્યાન મ્યુ. હદમાં ૩પ વરસ પહેલા સમાવિષ્ટ વિસ્તારોનો વિકાસ થયો જ ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

શહેરા નારોલથી નરોડા વિસ્તારની અનેક સોસાયટીઓમાંથી હજી વરસાદી પાણી પણ ઓસર્યા નથી. નારોલ વિસ્તારના હાઈફાઈ ચાર રસ્તા અને શાહવાડીમાં અનેક ઠેકાણે જળબંબાકારની પરિસ્થિતિ છે. આ બાબત ધ્યાને આવતા મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટ (Hitesh Barot) અને પક્ષ નેતા ભાસ્કર ભટ્ટે (Bhaskar Bhatt)  આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અને પંપીગ સ્ટેશનના કામ ચાલી રહ્યા છે. તદ્‌ઉપરાંત સ્ટ્રોમવોટર લાઈનનું કામ પણ બાકી છે. તેથી આ સમગ્ર વિસ્તારમાં મોટાપાયે દબાણો પણ થઈ ગયા છે. જેના પરિણામે વરસાદી પાણીનો નિકાલ થવામાં સમસ્યા જાેવા મળે છે. એકાદ બે વરસમાં અહી ડ્રેનેજ સ્ટ્રોમના કામ પુર્ણ થયા બાદ નાગરિકોને કોઈ જ તકલીફ રહેશે નહી. આ વિસ્તારની ટી.પી. સ્કીમો મંજુર થવામાં વિલંબ થયો હોવાથી રોડ રસ્તાના કામ સમયસર થઈ શકયા નથી.

વસ્ત્રાલ વોર્ડમાં માધવ પાર્ક પાસે પાણી ભરાવવાની સમસ્યા છે. પરંતુ અહી નાના વહેલા પર જે રોડ બનાવવામાં આવ્યો છે તેટલા પુરતુ જ પાણી ભરાય છે. વટવા ગામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નથી. તેમ તેમણે વધુમા જણાવ્યુ હતું.
અત્રે નોંધનીય છે કે મ્યુનિ. હદમા નારોલ વિસ્તારનો સમાવેશ ૧૯૮૭ ના વરસમાં થયો હતો.

૧૯૮૭ થી ર૦રર સુધીના સમયગાળા દરમ્યાન માત્ર એક જ વખત પાંચ વરસ માટે મનપામાં કોંગ્રેસનું શાસન રહ્યુ છે. જયારે છેલ્લા ૩પ વરસમાથી ૩૦ વરસ ભાજપનું શાસન રહ્યુ છે. તેમ છતા નારોલનો હજી સુધી વિકાસ થયો નથી. અગાઉ આ વિસ્તારનો સમાવેશ ઈસનપુર વોર્ડમા કરવામાં આવ્યો હતો. ર૦૧૦ મા નારોલને સ્વતંત્ર વોર્ડ જાહેર કરવામા આવ્યો હતો.

ત્યારબાદ નવા સીમાંકન બાદ ર૦૧પ થી નારોલનો સમાયેશ લાંભા વોર્ડમા થયો છે. મ્યુનિ. હદમા ૩પ વરસથી સમાવેશ થયો હોવા છતા નારોલનો કોઈપણ દ્‌ષ્ટીઓ વિકાસ થયો નથી. થોડા દિવસ અગાઉ શાહવાડી ગામની ટાંકીમાંથી લાલ કલરના પાણી નાગરિકોને સપ્લાય થયા હતા. શાહવાડી અને હાઈફાઈ ચાર રસ્તા વિસ્તારમા ગેરકાયદેસર બાંધકામોની ભરમાર છે.

આ વિસ્તારમાં મંજુરી વિના ખુબ જ મોટા પ્રમાણમાં ટેકટાઈલ યુનિટના શેડ બની રહ્યા છે. ચાર મહિના અગાઉ નારોલ સ્મશાન પાછળ પણ આ જ રીતે મોટા શેડ બન્યા છે. આ યુનિટો દ્વારા કેમીકલયુકત પાણી છોડવામા આવતા હોવાની ફરીયાદ પણ સ્થાનિકો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.