સોનાના ભાવમાં ઘટાડો થયો, 4 માસમાં ૫૦૦૦ ઘટ્યા
ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ આજે સ્થિર રહ્યા
મુંબઈ, યુએસ ફેડ દ્વારા આજે વ્યાજદર અંગે ર્નિણય લેવાનો છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં આજે પ્રેશર રહ્યું હતું. સોનાના ભાવમાં આજે સળંગ ત્રીજા દિવસે ઘટાડો થયો હતો. એમસીએક્સ પર ૧૦ ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂ. ૫૦,૫૪૦ થયો હતો.
છેલ્લા ચાર મહિનામાં સોનાના ભાવમાં ૫૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. સિલ્વર ફ્યુચર્સનો ભાવ ૦.૩ ટકા ઘટીને ૫૪,૫૪૦ પ્રતિ કિલો થયો હતો. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ આજે સ્થિર રહ્યા હતા. રોકાણકારો યુએસ ફેડના ર્નિણય અગાઉ સાવધાનીના મૂડમાં છે કારણ કે ફેડના ર્નિણયથી બુલિયનના આઉટલૂકને અસર થઈ શકે છે. આજે સ્પોટ ગોલ્ડ લગભગ ૧૭૧૬ ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતો.
યુએસ ફેડની મિટિંગમાં સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરમાં ૦.૭૫ ટકાનો વધારો થવાની શક્યતા છે. અમેરિકામાં ફુગાવો રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે, જેના કારણે ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજનો દર વધારવો પડે તેમ છે. અન્ય કિંમતી ધાતુઓની વાત કરીએ તો સ્પોટ સિલ્વરનો ભાવ ૦.૧ ટકા વધીને ૧૮.૬૧ ડોલર પ્રતિ ઔંસ થયો હતો જ્યારે પ્લેટિનમ ૦.૩ ટકા ઘટીને ૮૭૦ ડોલર થયું હતું. પેલેડિયમનો ભાવ ૦.૧૫ ટકા વધીને ૨૦૧૯ ડોલર હતો.
માર્ચની શરૂઆતમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૨૦૦૦ ડોલરને પાર કરી ગયા પછી તેમાં પ્રેશર વધ્યું છે. યુએસ ડોલરની તેજી અને ફેડ દ્વારા વ્યાજદર વધવાની શક્યતાથી ગોલ્ડને હોલ્ડ કરવાનો ખર્ચ વધી જાય છે. ભારતીય બજારમાં માર્ચની મધ્યમાં સોનાનો ભાવ ૫૫,૨૦૦ સુધી પહોંચ્યો હતો. ત્યાર પછી તેમાં પાંચ હજાર રૂપિયા જેટલો ઘટાડો આવ્યો છે અને પીળી ધાતુમાં જાેરદાર વેચવાલીનું પ્રેશર છે.
સ્થાનિક બ્રોકરેજ જિયોજિતે એક નોટમાં જણાવ્યું કે, સોનું ૧૭૬૦ ડોલરથી ઉપર રહે તો જ તેમાં રિકવરીની શક્યતા છે. ચાંદીના ભાવ અંગે તેમણે કહ્યું કે ચાંદીનો ભાવ ૧૮ ડોલરની નીચે જશે તો તેમાં વેચવાલીનું વધારે પ્રેશર આવશે. નહીંતર તેમાં રિકવરી આવી શકે છે.
કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચ હેડ રવિન્દ્ર રાવે જણાવ્યું કે અર્થતંત્રમાં વધતા પડકાર વચ્ચે ફેડ દ્વારા રેટ હાઈક કરવામાં આવે તેવી શક્યતા છે. ગોલ્ડ ઈટીએફમાંથી આઉટફ્લો નિરંતર ચાલુ છે. ખાસ કરીને ભારત અને ચીનમાં કન્ઝ્યુમર ડિમાન્ડને લગતી ચિંતા છે.