Western Times News

Gujarati News

ડાકૂરાની ફૂલનદેવીનું અપહરણ કરનાર ચંબલના ખૂંખાર છેડાસિંહનું નિધન 

છેડાસિંહને ૧૯૯૮માં ભાગેડુ જાહેર કરાયો હતો, ૫ જૂન ૨૦૨૨ના રોજ ઔરિયાના ભસૌન ગામમાંથી ઝડપાયો હતો

કાનપુર,  એક સમયે આખી ચંબલ ઘાટીમાં જેની ધાક હતી તેવા ખૂંખાર ડાકૂ છેડા સિંહનું અવસાન થયું છે. છેડા સિંહ એ જ ડાકુ છે જેણે પોતાના સમયની ખતરનાક ડાકૂરાની ફુલન દેવીનું ૧૯૮૦માં અપહરણ કર્યું હતું. Khedasingh who abducted Phoolandevi of Chambal passed away

એટલું જ નહીં, ફુલન દેવીના પ્રેમી ડાકૂ વિક્રમ મલ્લાહની હત્યામાં પણ છેડા સિંહનો જ હાથ હતો. છેડા સિંહને ૧૯૯૮માં ભાગેડુ જાહેર કરાયો હતો. જાેકે, ૨૪ વર્ષ સુધી પોલીસ તેના સુધી નહોતી પહોંચી શકી. આખરે ૦૫ જૂન ૨૦૨૨ના રોજ ઔરિયા જિલ્લાના ભસૌન ગામમાંથી તે ઝડપાયો હતો. જાેકે, ટીબીથી પીડાતા છેડા સિંહને સારવાર માટે દાખલ કરાયો હતો, જ્યાં હોસ્પિટલમાં જ તે ૨૫ જુલાઈના રોજ મોતને ભેટ્યો હતો.

છેડા પર ૫૦ હજાર રુપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેની ધરપકડ કર્યા બાદ તેને ઈટવાહ જેલમાં મોકલી દેવાયો હતો. ૨૪ વર્ષથી પોતે ક્યાં નાસતો ફરતો હતો તે અંગે તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ચિત્રકૂટના જાનકી કુંડ નજીક આવેલા એક બાબાના આશ્રમમાં સેવક બનીને ૨૦ વર્ષથી પણ વધુ સમયથી રહેતો હતો.

ઈટાવા જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ રામ ધનીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેડા સિંહ ૨૫ જુલાઈએ સાંજે મોતને ભેટ્યો હતો. ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ, સૈફઈના ટીબી સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી હતી. જેલમાં રહેલા છેડાની તબિયત ૨૭ જૂને લથડી હતી.

અન્ય એક જેલર અભિષેક વર્માના જણાવ્યા અનુસાર, છેડા સિંહ યુવાવસ્થામાં ડાકૂ લાલારામની ગેંગમાં જાેડાયો હતો. તે સમયે ચંબલની ઘાટીમાં આ ગેંગ સંતાયેલી રહેતી હતી. છેડા સિંહ લાલારામ અને તેના ભાઈ સિતારામની ગેંગનો સૌથી સક્રિય સભ્ય હતો.

લાલારામે તેના વિરોધી ડાકૂ વિક્રમ મલ્લાહનું ખૂન કરીને ૧૯૮૦માં તેની પ્રેમિકા ફુલન દેવીનું અપહરણ કર્યું હતું. જેનો ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૧માં ફુલન દેવીએ બેહમઈ ગામમાં હત્યાકાંડ દ્વારા બદલો લીધો હતો, જેમાં ૨૧ ઠાકુરોને લાઈનમાં ઉભા રાખીને ઢાળી દેવાયા હતા.

છેડા સિંહ અને તેના સાગરિતોએ પણ બેહમઈ હત્યાકાંડનો બદલો લેવા માટે જૂન ૧૯૮૪માં ઔરિયા જિલ્લાના અસ્તા ગામે મલ્લા સમુદાયના ૧૬ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જાેકે, લાલારામની ડાકૂ ગેંગ ખતમ થઈ ગયા બાદ છેડા સિંહે અજ્ઞાતવાસમાં જઈ શાંતિપૂર્ણ રીતે જીવવાનો નિર્ધાર કર્યો હતો, અને આખરે તે એક આશ્રમમાં સેવક બની ગયો હતો.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ચાલાક છેડા સિંહે કાગળ પર પોતાને મૃત સાબિત કરીને તમામ પ્રોપર્ટી પોતાના ભાઈ અજય સિંહને આપી દીધી હતી. જાેકે, તે બીમારીની સારવાર કરાવવા આવ્યો ત્યારે ઝડપાઈ ગયો હતો. ૨૦થી વધુ મર્ડર, ડકૈતી, અપહરણ તેમજ ખંડણી માગવાના કેસમાં વોન્ટેડ છેડા સિંહને ૧૯૯૮માં ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો હતો.

તેના વિરુદ્ધ ૨૪ જેટલા કેસ નોંધાયા હતા, જેમાં પોલીસ તેને ૨૪ વર્ષથી શોધી રહી હતી. છેડા સામે મધ્યપ્રદેશ ઉપરાંત યુપીના પણ કેટલાક જિલ્લામાં કેસ નોંધાયેલા હતા.

છેડા સિંહ પકડાયો ત્યારે તેની પાસેથી પોલીસને બ્રિજમોહનના નામે બનેલા ફેક આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ મળી આવ્યા હતા. જાેકે, સ્થાનિકોની મદદથી પોલીસે તેની ઓળખ કરી લીધી હતી. છેડા આજીવન કુંવારો રહ્યો હતો. તે ૨૦ વર્ષનો હતો ત્યારે જ તે ઘર છોડી ભાગી ગયો હતો અને ડાકૂ લાલારામની ગેંગમાં જાેડાઈ ગયો હતો. ૨૦૧૫માં પોલીસે તેના પર ૫૦ હજારનું ઈનામ જાહેર કર્યું હતું.

બીજી તરફ, બેહમાઈ હત્યાકાંડ બાદ ફુલન દેવી પણ બે વર્ષ સુધી નાસતી ફરતી હતી. આખરે ૧૯૮૩માં તેણે અને તેના કેટલાક બચી ગયેલા સાથીદારોએ સરેન્ડર કર્યું હતું. ફુલન વિરુદ્ધ ૪૮ ગુના નોંધાયા હતા. જેમાં ખૂન, ખંડણી, અપહરણ, લૂંટફાટ જેવા ગુના સામેલ હતા.

ફુલન દેવી જેલમાં ૧૧ વર્ષ રહી હતી. જાેકે, ૧૯૯૪માં યુપીની મુલાયમ સિંહ સરકારે ફુલન સામેના તમામ આરોપ પડતા મૂક્યા હતા. ફુલન દેવી લાંબા જેલવાસ બાદ બહાર આવી ત્યારે સમાજવાદી પાર્ટીએ તેને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી. ફુલનદેવી બે વાર યુપીથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ હતી. જાેકે, ૨૦૦૧માં તેમની સંસદ તરીકે ફાળવાયેલા બંગલાના ગેટ પર જ શેરા સિંહ રાણા નામના શખસ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.