નકલી પોલીસ બનીને આંટા મારતો યુવક ઝડપાયો
અમદાવાદ, અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં ઠગો પોલીસનો વેશ ધારણ કરીને અથવા નકલી પોલીસ આઈડી કાર્ડ બતાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે અથવા કામ કઢાવતા હોય છે.
તાજેતરમાં જ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હતી પરંતુ એક મહિલાની સજાગતાને કારણે આ નકલી પોલીસકર્મી પકડાઈ ગયો હતો. મહિલા જ્યારે સોસાયટીની બહાર ઉભા હતા ત્યારે યુવકે આઈડી કાર્ડ બતાવીને પોતે પોલીસ હોવાની જાણકારી આપી હતી.
મહિલાને તે શંકાસ્પદ લાગતાં તેમણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. કુબેરનગર ક્રોસિંગ પાસે રહેતા અનિતાબેન બલવાણી નામના મહિલા ૨૫મી જુલાઈના રોજ ક્રિષ્ના એવન્યૂ અપાર્ટમેન્ટની બહાર ઉભા હતા.અનિતાબેને જાેયું કે કોઈ અજાણ્યો શખ્સ ફ્લેટની બહાર આંટાફેરા મારી રહ્યો છે.
અનિતાબહેનને વ્યક્તિ શંકાસ્પદ લાગતા સિક્યોરિટી ગાર્ડને તે વ્યક્તિ વિશે પૂછવા માટે મોકલ્યો. તે વ્યક્તિએ જણાવ્યું કે તેનું નામ પ્રકાશ વાઘેલા છે અને નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પ્રકાશ વાઘેલાએ જણાવ્યું કે કોઈ કેસને લગતા કામથી તે ત્યાં આવ્યો છે. લાંબા સમય સુધી પ્રકાશ ત્યાં જ ઉભો રહેતા અનિતાબેન પોતાના સંબંધીને લઈને વાત કરવા માટે પહોંચ્યા હતા.
ઓળખપત્ર માંગવામાં આવ્યું તો પ્રકાશે ગુજરાત પોલીસનું આઈકાર્ડ બતાવ્યુ હતું. અનિતાબહેને આઈકાર્ડનો ફોટો પણ પાડ્યો હતો. પ્રકાશ સાથે વાતચીત કર્યા પછી તેની બોલચાલ અને પહેરવેશને કારણે અનિતાબેનની શંકા વધી ગઈ. તેમણે કંટ્રોલરૂમમાં ફોન કરીને આ બાબતે ફરિયાદ નોંધાવી. સરદારનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પ્રકાશની ધરપકડ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં વધારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે તે સાબરમતી વિસ્તારમાં રહે છે અને ડ્રાઈવિંગનું કામ કરે છે. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોતાના એક મિત્રનું કાર્ડ જાેઈને તેણે પોતાનું નકલી કાર્ડ બનાવ્યુ હતું. ધરપકડ થઈ તે દિવસે તે કુબેરનગર વિસ્તારમાં કોઈ પેસેન્જરને ઉતારવા માટે આવ્યો હતો. પોલીસે સમગ્ર બાબતની નોંધ લઈને ગુનો દાખલ કર્યો છે. પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ શરુ કરવામાં આવી છે.SS1MS