ભાવનગરની હોસ્પિટલમાંથી લઠ્ઠાકાંડના ગાયબ ૧૩ દર્દીમાંના ૩ મળ્યા

લઠ્ઠાકાંડના સારવાર લેનારાઓને લઈને પણ વિવાદચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ પીડિતો હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા, ત્યારબાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું
ભાવનગર, સોમવારે સાંજે ધંધુકા-બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો ૭૫થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ લઠ્ઠાકાંડના પીડિતો ભાવનગર તથા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના કુલ ૧૦૨ પીડિતો પૈકી ૧૩ પીડિતો બુધવારના રોજ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે ૧૩ પીડિતો પૈકી ૩ પીડિતોને શોધી કાઢ્યા છે અને તેમને સારવાર અર્થે ફરી હોસ્પિટલમાં પરત લાવવામાં આવ્યા છે.
આ ઘટના બાદ માણસની બેદરકારી સામે આવી હતી. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં ૭૫થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેમ છતાં હજુ લોકોની બેદરકારી દેખાઈ આવી છે. આ ઘટના બાદ તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે, ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ આ પીડિતો હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતુ અને દર્દીઓને પકડવાની તથા તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરી યોગ્ય સારવારના પ્રયત્નો હાથ ધર્યા હતા.
લઠ્ઠાકાંડમાં ભાવનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૩ દર્દીઓ પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. આ વાતની પુષ્ટિ સિવિલ હોસ્પિટલા સર્જન ડોક્ટરે પણ કરી હતી. સિવિલ સર્જને સ્વીકાર્યું હતું કે, ૧૩ દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા છે.