કેમિકલ કાંડમાં મોત સામે ૧૫ દર્દીઓ જંગ જીત્યા, હસતા મોઢે બહાર નીકળ્યા!
ભાવનગર, બોટાદ અને ધંધુકા પંથકમાં સર્જાયેલા ઝેરી કેમિકલ કાંડની ઘટનામાં અસરગ્રસ્ત એવા ૧૦૦ થી વધુ લોકોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના સારવાર દરમ્યાન મોત નિપજી ચુક્યા છે. જ્યારે સારવાર દરમ્યાન સ્વસ્થ બનેલા ૧૫ દર્દીઓ ને આજે હોસ્પિટલ માથી રજા આપવામાં આવી હતી.
સમગ્ર ગુજરાત માં ખૂબ જ ચકચાર મચાવનાર બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બોટાદ ના અનેક ગામો માં લોકોને ઝેરી કેમિકલની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૧૦૦થી વધુ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે તમામ અસરગ્રસ્ત લોકોને ડોકટરોની ટીમ દ્વારા જરૂરિયાતના તમામ સાધનો મંગાવી ખુબ સારી કહી શકાય એવી સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કુલ ૧૯ લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા.
મોટા ભાગના લોકોને ડાયાલિસિસ પર લઈ સારવાર શરૂ કરવામાં આવી હતી, ભાવનગર સર.ટી. હોસ્પિટલના આરોગ્ય વિભાગે આ ઘટનામાં અતિ પ્રસંશનીય કામગીરી કરતા ડાયાલિસિસ સહિતની જરૂરી સારવાર ઝડપી હાથ ધરી શક્ય હોય તેમ મૃત્યુઆંક ઘટે તે દિશામાં કરેલી કામગીરીને પગલે દર્દીઓ સ્વસ્થ બની જતા ૧૫ દર્દીઓ ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
સારવાર લઈને બહાર આવી રહેલા દર્દીઓના મુખ પર એક પ્રકારે નવજીવનની ખુશી જાેવા મળી હતી. તેમજ હવે ક્યારેય દારૂ ને હાથ નહિ લગાડે એવું દર્દીઓ ના મુખે સાંભળવા મળ્યું હતું. સાથે બગોદરા ના સામાજિક આગેવાન કાળુભાઇ ડાબી એ સરકાર અને હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રની કામગીરી ને બિરદાવતા વ્યસન ના આવા દૂષણ થી લોકો દૂર રહે એ માટે અપીલ કરી હતી.
નોંધનીય છે કે, કેમિકલ કાંડ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ૬ દર્દીઓને આજે ડીસ્ચાર્જ કરાયા છે. સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા ૬ દર્દીઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. હવે કુલ ૪૩ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એટલું જ નહીં, આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ ૮ દર્દીઓ દાખલ કરાયા છે. સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા ૪૯ થઈ છે. જ્યારે દાખલ દર્દીઓમાં ૪ દર્દીઓની હાલત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે.HS1MS