રિશિ સુનકની બ્રિટનમાં લોકપ્રિયતા ઘટી રહી છે, વડાપ્રધાન બને તેવી શક્યતા ધૂંધળી
બ્રિટનના વડાપ્રધાનપદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના છેલ્લાં બે ઉમેદવારો રિશિ સુનક અને લીઝ ટ્રસ વચ્ચે સ્પર્ધા જામી છે. અત્યાર સુધી સાંસદોના વોટિંગમાં આગળ રહેલા રિશિ સુનકની લોકપ્રિયતા ઘટી ગઈ છે. હરિફ ઉમેદવાર લીઝ ટ્રસની વડાપ્રધાન બનવાની શક્યતા ૯૦ ટકા સુધી વધી ગઈ છે.
પૂર્વ ઉમેદવારોએ પણ લીઝ ટ્રસને સમર્થન આપવાનું શરૃ કર્યું છે, એનાથી રિશિ સુનકને ફટકો પડયો છે.બ્રિટિશ અખબારોના અહેવાલો પ્રમાણે રિશિ સુનક દેશના વડાપ્રધાન બને એવી શક્યતા ઘટવા માંડી છે. હરીફ ઉમેદવાર લીઝ ટ્રસની લોકપ્રિયતા વધી છે.
સર્વેક્ષણના આધારે રજૂ થયેલા તારણ પ્રમાણે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે લીઝ ટ્રસની શક્યતા ૯૦ ટકા છે, જ્યારે રિશિ સુનકની શક્યતા માત્ર ૧૦ ટકા છે. બોરિસ જ્હોન્સનની સરકારમાં
રિશિ નાણામંત્રી હતા. લીઝ ટ્રસ વિદેશ મંત્રી હતા.
આ બંને વચ્ચેની સ્પર્ધામાં હવે કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉમેદવારોએ લીઝનું સમર્થન શરૃ કર્યું છે. શરૃઆતના તબક્કામાં કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપ્રધાનપદના દાવેદારો રહી ચૂકેલા નેતાઓ લીઝનું સમર્થન કરી રહ્યા છે અને એની તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. ટોમ ટુગેડહટે લીઝના વિઝનને બહેતર ગણાવ્યું હતું. અગાઉ બેન વાલેસે પણ લીઝ ટ્રેસને ટેકો આપ્યો હતો.
બંને ઉમેદવારો વચ્ચે ટેલિવિઝન ડિબેટ યોજાઈ હતી. એ પછી લીઝ ટ્રેસની લોકપ્રિયતા વધી હોવાનું અહેવાલોમાં કહેવાયું હતું. સર્વેક્ષણોમાં દાવો થઈ રહ્યો છે એ પ્રમાણે રિશિ અને લીઝ વચ્ચે લાઈવ ડિબેટ થઈ તેમાં લીઝનું સમર્થન વધ્યું હતું. લીઝ ટ્રસ ટેક્સ ઘટાડવાના મુદ્દે વધારેને વધારે સમર્થન મેળવે છે. બીજી તરફ રિશિ સુનકે કહ્યું હતું કે પર્સનલ ટેક્સમાં ઘટાડો કરવાથી લોકોનું જીવન સરળ નહીં બને.
એ માટે નવી યોજનાઓ લાગુ કરવી પડશે. મોંઘવારી કાબૂમાં છે ત્યાં સુધી પર્સનલ ટેક્સ ઘટાડવાનો તેમણે ઈનકાર કર્યો હતો. લીઝ ટ્રસે કહ્યું હતું કે જા એ પીએમ બનશે તો ટેક્સ નાબુદ કરશે. અત્યાર સુધી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોના મતદાનમાં રિશિ સુનકને લીઝ કરતાં દરેક તબક્કામાં વધારે મતો મળ્યા હતા, પરંતુ ટેક્સના મુદ્દે ડિબેટ પછી રિશિ સુનકની લોકપ્રિયતા ઘટી છે.