Western Times News

Gujarati News

જાહેર સ્થળો પર CCTV લગાવવાની પોલિસીનો આજથી અમલ

ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવારથી અમલ થશે :પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે

રાજકોટ:રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર તા.1 લી ઓગસ્ટ થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

જે અંતર્ગત 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર થતી હોય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા ફરજિયાત કરાયા છે અને 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ. કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માંગી શકશે.

આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતિની રચના જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.

મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ન હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતિના સભ્ય રહેશે,

પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતીના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે. જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયેશનના 3 કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે.

આ અધિનિયમમાં એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતિ સમિતિ કે જાહેર સલામતિ પેટા સમિતી દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા અધિકારી બે દિવસની નોટીસ – સૂચના આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકોમાં આવા એકમો, સંસ્થાઓમાં સી.સી.ટીવી કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરીને કોઇ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતીને પોતાનો અહેવાલ આપશે.

આવી સમિતિ દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવ્યા હોય તેવા જાહેર સલામતીના પગલાં 6 મહિનાની અંદર ગોઠવવાનું સંબંધિત સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે. કોઇ પણ વ્યક્તિ અથવા સંસ્થા જાહેર સલામતી સમિતી દ્વારા કરવામાં આવેલા હુકમ સામે ૩૦ દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટને અપીલ કરી શકશે. તેવી જોગવાઇ પણ આ અધિનિયમમાં રાખવામાં આવેલી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અપીલ દાખલ કર્યાની તારીખથી 60 દિવસમાં નિર્ણય આપવાનો રહેશે તેમજ દંડની રકમ મહેસુલી રાહે વસુલ કરવાની રહેશે.

ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.