તાપી: બસ અને ટ્રક હાઈવે પર સામ-સામે આવતાં રોડની સાઈડમાં ઉતરી ગયા
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઇવે પર ટોકરવા ગામ નજીક વરસાદના કારણે એક બસ અને ટ્રક રોડની સાઇડમાં પલટી મારી ગયા હતા. જોકે, આ ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સામેથી આવતો બાઇક ચાલક પણ એન સમયે ખસી જતાં તેનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેનર (રજી.નં. MH 39 C 1631) અને ગુજરાત એસ.ટી. બસના ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. રોડની નબળી સ્થિતિ અને ચીકણા પદાર્થને કારણે બંને ભારે વાહનો રોડની બાજુમાં આવેલા ઊંડા કાદવમાં ફસાઈ ગયા હતા, જેના કારણે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે કે, રોડ પર કોઈ ચીકણું પદાર્થ (ઓઇલ કે ડામર) ફેલાઈ ગયું હતું, જેના કારણે સપાટી અત્યંત ચીકણી બની ગઈ હતી. આ જ કારણોસર એક જ દિવસમાં બુરેલો સહિત કુલ 8 જેટલા અકસ્માતો સર્જાયા હતા.
અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા અને અનેક વાહનો ફસાઈ જતાં આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને JCB મશીન બોલાવવામાં આવ્યું હતું. JCB ની મદદથી રોડ પર જામેલો ચીકણો પદાર્થ અને માટી ખ્રોડીને રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.
