Western Times News

Gujarati News

વડોદરાના ૬૭ વર્ષીય રાષ્ટ્રપ્રેમીનું અનોખું અભિયાન: ચાર લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શીખવ્યું

Youth Taught more than four lakh people to hoist the national flag

છેલ્લા ૫૮ વર્ષથી સરદાર ભવનના નિયામક હરેન્દ્રસિંહ દાયમા શાળા અને સંસ્થાઓમાં લોકોને રાષ્ટ્રગીતનું ગાન સાચી રીતે કરતા શીખવે છે

આલેખન– દર્શનત્રિવેદી

દેશના સન્માનના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય એ માટે વડોદરાના એક રાષ્ટ્રપ્રેમીછેલ્લા ૫૮ વર્ષથી અભિયાન ચલાવી રહ્યા છે. આ ૫૮ વર્ષના લાં….બાં સમયગાળા દરમિયાન આ વૃદ્ધ ચાર લાખથી પણ વધુ લોકોને રાષ્ટ્રધ્વજ સાચી રીતે કેવી રીતે ફરકાવવો ? રાષ્ટ્રગાન કેવી રીતે કરવું ? એની તાલીમ આપી ચૂક્યા છે.

વાત કરજણ તાલુકાના સગડોળ ગામના ૬૭ વર્ષીય હરેન્દ્રસિંહ દાયમાની છે. તેનો યુવાનીકાળથી જ દેશભક્તિના રંગે રંગાયેલા છે. વર્ષ ૧૯૭૪માં તેમણે વર્તમાનપત્રોમાં રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવવો ? તે વિશે સમાચાર વાંચ્યા અને અહીંના સરદાર ભવનમાં તાલીમ લેવા માટે આવ્યા.

સરદાર ભવનમાં તેમણે રમણભાઇ રાણા પાસે આ બાબતની થોડા કલાકની તાલીમ લીધી. ત્યારથી જ તેમણે લોકોને તાલીમ આપવાનું શરૂ કર્યું. એ દરમિયાન, તેમણે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો.

હાલમાં સરદાર ભવનના નિયામક તરીકે કાર્યરત હરેન્દ્રસિંહ દાયમા કહે છે, અમે શૈક્ષણિક કે સામાજિક સંસ્થામાં છાત્રોને તાલીમ આપવાનું કાર્ય કરીએ છીએ. સંસ્થાના આમંત્રણથી અમે જે તે સંસ્થામાં જઇને છાત્રોને રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે કેવી રીતે ગડી વાળવી, સ્થંભમાં સૂતરની દોરી કેવી રીતે બાંધવી,

બિનસરકારી સંસ્થાનોમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું, રાષ્ટ્રગાન કેવી રીતે કરવું જેવી મહત્વની બાબતો છાત્રોને શીખવવામાં આવે છે. ધ્વજવંદન માટે સૂતરની દોરીનો ઉપયોગ કરવો જોઇએ. બર્ફિલા પ્રદેશમાં નાનાનાના અંકોડાવાળી સાંકળ વાપરવામાં આવે છે.

તે કહે છે, સામાન્ય રીતે મહદ્દઅંશે રાષ્ટ્રગીતના ગાન વખતે લોકો દ્વારા તેના શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થતું નથી. જેમ કે, સિંધુના બદલે સિંધ, ઉત્કલના સ્થાને ઉચ્ચછલ, બંગને બદલે બંગા, તરંગને સ્થાને તરંગા અને ગાહેના બદલે ગાયે એવા શબ્દો ગાવામાં આવે છે. અમે છાત્રોને સાચા શબ્દોના ઉચ્ચારણ સાથે ૫૨ (બાવન)સેકન્ડમાં ગાન કરતા શીખવીએ છીએ.

સરદાર ભવન દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાન ગુજરાત પૂરતું સીમિત ના રહેતા આસામના દુર્ગમ વિસ્તારોમાં પણ કેમ્પ યોજી ઉક્ત બાબત શીખવવામાં આવી છે. શ્રી દાયમા દ્વારા આ ઉપરાંત ૫૦ વર્ષથી વસંત-રજબ કોમી એકતા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વસંત હેગિષ્ઠે અને રજબ લાખાણી અમદાવાદમાં કોમી રમખાણો દરમિયાન સદ્દભાવના માટે શહાદત વહોરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.