ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં બુમાબુમ કરી અને..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઈ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઈ છે.
ઘટનાને પગલે ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, જ્યાં બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જા કે માસૂમને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે.
હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા જીઇબી પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને ‘રામ રાખે તેને કોણ ચાખે’ વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. જેના પગલે તાત્કાલિક ૧૦૮ સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પ્રત્યક્ષ જાનારા લોકોએ તેના માવતર સામે ફિટકાર વરસાવ્યો હતો.
જીવિત નવજાત શિશુને ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ૧૦૮ સાબરકાંઠાના સુપરવાઈઝર જૈમીન પટેલે જણાવ્યું હતું કે ગાંભોઇમાં આજે સવારે ૧૦ વાગ્યે કોલ આવ્યો હતો કે ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે.
જેથી ૧૦૮ એમબ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
બાળકીના બચાવ કાર્યમાં ૧૦૮ના EMT પ્રકાશભાઈ પરમાર અને પાયલોટ અરખભાઈ તિરગરે મહેનત કરી બાળકીનો જીવ બચાવી ઉમદા કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરે જણાવ્યું હતું કે જીઈબી પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં નવજાત જીવત શિશુ મળી આવ્યું હતું, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ નવજાત જીવિત શિશુને બહાર કાઢી તેની હિંમતનગર સિવિલમાં સારવાર શરૂ કરાઈ છે.