શું તમારી પાસે નોકરી નથી, તો આ રોજગારી મેળાનો લાભ લો
૧૧ જેટલી સરકારી તથા ખાનગી કંપનીઓએ ૨૪૯ જેટલી મહિલાઓની રોજગારી માટે કરી પ્રાથમિક પસંદગી-ફક્ત મહિલાઓ માટેનો અનોખો રોજગારી મેળો અમદાવાદની રોજગાર કચેરી ખાતે યોજાયો
ધોરણ ૯ પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી મહિલાઓએ મેળવી મહિલા રોજગાર મેળા દ્વારા રોજગારી
અમદાવાદના અસારવામાં આવેલી રોજગાર કચેરી ખાતે આજે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા રોજગાર કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના મહિલા તથા બાળ વિકાસ વિભાગના નવીનતમ પ્રયોગના અન્વયે ફક્ત મહિલાઓ માટે હોય તેવા રોજગાર પસંદગી મેળાનું આયોજન સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું હતું. મહિલા રોજગાર મેળામાં કુલ ૩૮૪ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને તેમાંથી ૨૪૯ જેટલી મહિલાઓએ પ્રાથમિક પસંદગીના ભાગરૂપે રોજગારી મેળવી હતી.
અમદાવાદના મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ત્રણ દિવસના સર્વે બાદ લાભાર્થી મહિલાઓને રોજગાર મેળા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિભાગના કર્મચારીઓ દ્વારા રૂબરૂમાં જઈને તથા પ્રચાર પ્રસાર કરી ઓનલાઇન અને ઑફલાઈન મારફતે પણ મહિલાઓ પાસેથી અરજી સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જરૂરિયાતમંદ મહિલાઓ ખાસ કરીને વિધવા મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી ફક્ત મહિલાઓ માટે હોય તેવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં ધોરણ ૧૦ પાસ થી લઈને ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ., ઓલ ટેકનીકલ ટ્રેડ, બીફાર્મ, એમ.બી.એ., બી.બી.એ., એમ. એસ. ડબલ્યુ. તથા ડિપ્લોમા થયેલાં ૩૮૪ મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રાથમિક સ્તરે પસંદગી પામેલા ૨૪૯ મહિલાઓને આ મહિલા રોજગાર મેળામાં રોજગારી આપવામાં આવી છે.
ડી માર્ટ, પોસ્ટ પેમેન્ટ બેંક, હોમીનલ હેલ્થ કેર, રિલાયન્સ, વગેરે જેવી કુલ ૧૧ સરકારી તથા ખાનગી કંપનીઓએ મહિલાઓને રોજગારી પૂરી પાડવા માટે મહિલા રોજગાર મેળામાં ભાગ લીધો હતો. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા થતા પ્રયત્નોના ભાગરૂપે આયોજન કરવામાં આવેલા ફક્ત મહિલાઓ માટેના રોજગારી મેળાનું આ અનોખું આયોજન હતું. મહિલાઓ આત્મનિર્ભર બને તથા દેશ અને રાજ્યની પ્રગતિમાં ભાગીદાર બને તે જ સરકારનો સંકલ્પ છે.
ફક્ત મહિલાઓ માટે યોજાયેલા આ મહિલા રોજગાર મેળામાં પ્રાદેશિક નાયબ નિયામક, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના અધિકારીઓ, અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, અમદાવાદ જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓ તથા મહિલા રોજગારી મેળા માટે પસંદગી પામેલી મહિલાઓ હાજર રહ્યાં હતાં.