Western Times News

Gujarati News

શ્રમ અને રોજગાર વિભાગે 6 માસમાં 134 બાળ મજૂરોને બચાવ્યા

પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં 434 રેઈડ પાડી હતી

અમદાવાદ, ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગે  ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 6 માસમાં  વેપારી એકમોમાં રેઈડ પાડીને 134 બાળ મજૂરોને મુક્ત કર્યા હોવાનુ અધિકૃત આંકડામાં જણાવવામાં આવ્યું છે.  અમદાવાદની 6 રેસ્ટોરન્ટને  બાળમજૂરો રાખવા બદલ  દંડ કરાયો છે.ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો જલારામ ખમણને રૂ. 25,000નો, અંબિકા ટી સ્ટોલને રૂ. 25,000નો અને નવિન ચવાણા માર્ટને પણ રૂ. 25,000નો દંડ કરાયો છે. પરેશ પોપટને રૂ. 7,000 અને મનોજ કલ્પેશ્વરને રૂ. 500નો દંડ કરાયો છે.

શ્રમ અને રોજગાર વિભાગના આંકડા દર્શાવે છે કે વિભાગે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં 434 રેઈડ પાડી હતી જેમાં મુખ્યત્વે ટી સ્ટોલ, હોટેલ અને રેસ્ટોરન્ટમાં કામ કરતાં 134 બાળકોને મુક્ત કરાયા છે. ઘણા બાળમજૂરો ગેરેજ, જરદોશી એકમો અને કાપડ ઉદ્યોગમાં કામ કરતાં જણાયા હતાં.

બે વર્ષ અગાઉ જે પ્રમાણમાં રેઈડ પાડવામાં આવતી હતી તેના પ્રમાણમાં રેઈડ 10 ગણાથી વધુ વધી છે. વર્ષ 2017-18માં 86 રેઈડ પાડવામાં આવી હતી અને 41 બાળકોને બચાવી લેવાયાં હતાં તે સામે 2018-19માં 822 રેઈડ પાડવામાં આવી હતી અને 358 બાળકોને મુક્ત કરાયા હતાં.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “ રાજ્ય સરકાર બાળમજૂરીની પ્રથા નાબૂદ કરવા માગે છે અને મિશન મોડમાં કામ કરી રહી છે. અમે આ મુદ્દે 1 મહિના સુધી વિશેષ ઝુંબેશ ચલાવી હતી.  તેનાં પરિણામો મળવા લાગ્યાં છે. બાળમજૂરી સામે જુન અને જુલાઈમાં ‘સહિયારી કૂચ’ યોજવામાં આવી હતી, અમારા પ્રયાસોનુ પરિણામ પ્રાપ્ત થયું છે. અમે મોટી  સંખ્યામાં બાળકોનુ થતુ શોષણ અટકાવી શક્યા છીએ. અમે બાળકોને નોકરીમાં રાખતા લોકો સામે એફઆઈઆર પણ કરી છે. અમને વિશ્વાસ છે કે અમારી કાર્યવાહીને પરિણામે બાળમજૂરોને નોકરીમાં રાખતા લોકોમાં ભય પેદા થશે. ”

શ્રી મિત્રાના જણાવ્યા મુજબ અમદાવાદ, આણંદ, ગાંધીનગર, સુરત, વડોદરા, બોટાદ, અને ભાવનગરમાં સૌથી વધુ બાળમજૂરોને મુક્ત કરાવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે  “અમે બાળમજૂરોને નોકરીમાં રાખવા અંગે જાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ.  આ મુદ્દે અમે તમામ જીલ્લામાં વર્કશોપ અને સેમિનારો પણ યોજ્યા છે. ”

બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) ધારામાં જણાવવામાં આવ્યું છે કે 14 વર્ષથી ઓછી વયના બાળકને વેપારી એકમમાં કે ઘર મજૂરી માટે  રાખવા ઉપર પ્રતિબંધ છે. જે લોકો આવાં બાળકોને નોકરીમાં રાખે છે તેમને 6 માસથી બે વર્ષની જેલ અને / અથવા રૂ. 20,000થી 50,000 સુધીનો દંડ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.