Western Times News

Gujarati News

અમદાવાદના નગરજનોને 187 કરોડના વિકાસકાર્યોની ભેંટ ધરતા મુખ્યમંત્રી

જે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીએ તેનું  લોકાર્પણ અમે જ કરીએ તેવી કાર્ય સંસ્કૃતિ અમે વિકસાવી છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ₹. ૧૩૬.૧૧ કરોડના  લોકાર્પણ અને ₹. ૫૧.૨૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પ્રજાજનોને સમર્પિત કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં ₹. ૧૮૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કરીને પ્રજાસુખાકારીના કાર્યો પ્રજાને ભેંટ ધર્યા છે.

મુખ્યમંત્રીશ્રી એ પ્રજાહિતલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જણાવ્યું કે, જે વિકાસકાર્યોનુ ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ  પણ અમે જ કરીએ  તેવી કાર્યસંસ્કૃતિ વડાપ્રધાન  શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં અમે અપનાવી છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતે સર્વાંગીણ વિકાસ હાથ ધર્યો છે. બે દાયકા અગાઉ રાજ્યમાં  MSME  ની સંખ્યા ૨.૭૪ લાખ હતી જે આજે ૮.૬૬ લાખ થઈ છે. જ્યારે  ૨૦ વર્ષ અગાઉ રાજ્યમા થતું ૧.૨૭ લાખ કરોડનું ઔદ્યોગિક ઉત્પાદન આજે ૧૬.૧૯ લાખે પહોંચ્યું છે.

ગુજરાતમાં રોડ, રસ્તા, વીજળી, પાણી, જેવી પાયાની જરૂરિયાતોની સરળ કનેક્ટિવિટીની સવલતોએ ઔદ્યોગિક રોકાણકારોને  આકર્ષ્યા છે. આજે રાજ્યના દરેક જિલ્લામાં લઘુ અને મોટા ઔધોગિક એકમો કાર્યરત બન્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આપણને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. અમદાવાદ શહેર સુનિયોજિત વ્યવસ્થાપનના પરિણામે વિકાસ પામ્યું છે તેમ જણાવી શહેરના ઉત્તરોત્તર વિકાસની ભાવિ રૂપરેખાનુ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ,આઝાદી મળ્યાના વર્ષો સુધી આઝાદી દિન જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહી હતી.પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવી  ઉજવણી આજે રાષ્ટ્રીય  તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગ થી ઉજવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા “હર ઘર તિરંગા” અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મ નો ભેદભાવ થી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનમાં લોકોને જોડાવવા અનુરોધ કર્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી શ્રી એ નાગરિકો  સાથે ઉત્સાહભેર જોડાઈને દેશભક્તિનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

શ્રી ભુપેન્દ્ર પટેલના  હસ્તે આજે  ₹. ૧૩૬.૧૧ કરોડના લોકાર્પણ અને ₹.૫૧.૨૫ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં ખોખરા બ્રિજ, ચાંદખેડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન,. કાંકરિયા રેલ્વે ટ્રેક, નિકોલ કોમ્યુનિટી હોલ અને ગાર્ડન, પરિમલ ગાર્ડન, ૨૫ ફાયર ટેન્કરના કાર્યોનું લોકાર્પણ કરીને નગરજનોની  સેવામાં કાર્યરત કરાવ્યા હતા.

જ્યારે પિન્ક ટોયલેટ, દાણીલીમડામાં આકાર પામનારૂ લીલાધર કોમ્યુનિટી હોલ અને વીરમાયાનગર આવાસોનું રીડેવલપમેન્ટ કાર્ય, બાપુનગર શેલ્ટર હોમ અને ઠક્કરબાપાનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ખાતમુહૂર્ત કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતુ.

અમદાવાદ શહેરમાં ₹. ૧૮૭ કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરિટભાઇ પરમાર, સાંસદ સર્વ શ્રી કિરીટભાઇ સોલંકી, હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ અમીન, ધારાસભ્ય સર્વશ્રી વલ્લભભાઈ કાકડિયા, રાકેશભાઈ શાહ, બાબુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ,

સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, અગ્રણી શ્રી અમિતભાઈ શાહ, પ્રદિપસિંહ વાઘેલા, ધર્મેન્દ્રભાઇ શાહ, ભાસ્કર ભટ્ટ, અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી લોચન શહેરા, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારી-અધિકારીગણ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને જનકાર્યોના આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.