કોંગ્રેસના ધારાસભ્યના જમાઇએ સર્જેલા અકસ્માતમાં છ લોકોના મોત
આણંદ, આણંદ જીલ્લાના સોજીત્રા નજીક કોંગ્રેસના ધારાસભ્યના જમાઇએ સર્જેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત છ લોકોના મોત નિપજયા હતા. આ કાર, રીક્ષા તથા બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ સર્જાયેલા ગોઝારા અકસ્માતની માહિતી પ્રમાણે આણંદના સોજીત્રા નજીકની ડાલી ચોકડી પાસે કાર, બાઇક અને રીક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.
તેમાં છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ ઘટનાને પગલે આસપાસના ગામ લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી. લોકોના ટોળેટોળા ઉમટયા હતા. પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પહોંચી ગયો હતો. ભોગ બનેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે
કે અકસ્માત સર્જનાર કારમાં ‘એમએલએ ગુજરાત’ લખેલુ પાટીયુ હતું. આ કાર કોંગ્રેસના ધારાસભ્ય પુનમ પરમારના જમાઇ હંકારતા હતા. પોલીસે તેમની ધરપકડ કરી છે અને ‘હીટ એન્ડ રન’નો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતગ્રસ્ત રીક્ષામાં ચાર તથા બાઇકમાં બે લોકો સવાર હતા. રીક્ષાના ચાર પૈકીના ત્રણ એક જ પરીવારના હતા. તેમાં બે બાળકી હતી અને રાખડી બાંધીને પરત ફરી રહી હતી.