Western Times News

Gujarati News

NCC કેડેટસ તિરંગા યાત્રા દરમ્યાન ટેકસટાઇલ એસોસીએશન દ્વારા તૈયાર કરાયેલા ૨૦૦ ફુટ લાંબા તિરંગાને સાથે લઇ ચાલ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે યોજાયેલી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા દેશભક્તિસભર અનુરોધ કર્યો હતો.  

દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં યોજાઇ રહેલા “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી સવારે ૯ કલાકે ફલેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રએ બહુમાળી ભવન સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી શહેરીજનોને સંબોધતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રાએ દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્યેક નાગરિકે ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થવા તેમણે ઉપસ્થિતોને પ્રેરક આહવાન કર્યું હતું.

કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે, એમ સગૌરવ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ તિરંગા યાત્રામાં સામેલ થયેલા તમામ નાગરિકોને આવકાર્યા હતા. ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું રાષ્ટ્રીય ધ્વજની પ્રતિકૃતિ તથા ઔષધિય છોડથી સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ની પૂર્વભૂમિકા સમજાવી હતી અને નગરજનોને આ યાત્રામાં સામેલ થવા બદલ આવકાર્યા હતા. જયારે મેયર શ્રી પ્રદીપ ડવએ યાત્રાને રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલી તિરંગા યાત્રામાં  સહભાગી થયેલ તમામ શહેરીજનોનું અભિવાદન કર્યું હતું. તેમજ મંચસ્થ મહાનુભાવોનું ઔષધીય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ સંપન્ન થઇ હતી. રાજકોટ ટેકસટાઇલ્સ એસોસીએશન દ્વારા બનાવાયેલા ૨૦૦ ફુટ લાંબા રાષ્ટ્રીય ધ્વજને એન.સી.સી.કેડેટસના જવાનો પુરા સન્માન સાથે સમગ્ર યાત્ર દરમ્યાન સાથે લઇને ફર્યા હતા. વિવિધ પોઇન્ટ પર દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.

આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાયા હતા. આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,

આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્યો હતો.

પોલીસ જવાનોએ દેશના ઝંડા સાથે બાઈકમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. બહુમાળી ભવન ચોક ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

આ  યાત્રામાં સાંસદ અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ, રાજકોટ જિલ્લા પ્રભારી શિક્ષણમંત્રીશ્રી જિતુભાઇ વાઘાણી, કુટિર ઉદ્યોગ અને સહકાર રાજયમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, વાહનવ્યવહાર રાજયમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, રાજકોટના સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા અને શ્રી રામભાઇ મોકરીયા,

કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી ગોવિંદ પટેલ અને શ્રી લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરિયા, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશભાઇ મિરાણી,

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડાયરેકટરશ્રી ધીમંત વ્યાસ, પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, નિવાસી અધિક કલેકટરશ્રી કે. બી. ઠક્કર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી એ. કે. સિન્હા, પ્રાંત અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં રાજકોટવાસીઓ ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.