Western Times News

Gujarati News

અમદાવાદમાં નવરાત્રિથી મેટ્રો ટ્રેન શરૂ થાય તેવી સંભાવના

મેટ્રોના રૂટ પર CMRS ઈન્સ્પેક્શન શરૂ કરશે

મિનિમમ ભાડું ૫, મહત્તમ ભાડું ૨૫ રૂપિયા હોઈ શકે 

અમદાવાદ, અમદાવાદ મેટ્રોને શરૂ કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રિમાં અમદાવાદીઓને અમદાવાદ મેટ્રોની ભેટ મળી શકે છે. છેલ્લા અનેક વર્ષોથી મેટ્રોની રાહ જાેઈ રહેલાં અમદાવાદીઓનું મેટ્રોમાં બેસવાનું સપનું ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં અમદાવાદ મેટ્રો શરૂ થઈ શકે છે તેવી સંભાવના છે. અમદાવાદ મેટ્રોના ફેઝ ૧નું કામ પૂર્ણતાના આરે છે, જ્યારે નોર્થ-સાઉથ કોરિડોર પર ટ્રેન ચલાવવા માટે ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ મેટ્રોનું મિનિમમ ભાડું ૫ રૂપિયા અને મહત્તમ ભાડું ૨૫ રૂપિયા હોઈ શકે છે.અમદાવાદ મેટ્રો ટ્રેનનું અંતિમ ઈન્સ્પેક્શન કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા આગામી અઠવાડિયે શરૂ કરવામાં આવી શકે છે. CMRSની ટીમ ૨૦ ઓગસ્ટે અમદાવાદ આવી શકે છે અને ૪૦ કિમીના અમદાવાદ મેટ્રોના રૂટ પર ઈન્સ્પેક્શન શરૂ કરી શકે છે. એકવખત CMRS દ્વારા ઈન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ ગુજરાત મેટ્રો રેલ સર્વિસ ને મેટ્રોની સર્વિસ શરૂ કરવા માટે અંતિમ મંજૂરી લેવી પડશે અને તે માટે જરૂરી પેપરવર્ક પણ કરવા પડશે.

GMRSના મેનેજિંગ ડિરેક્ટર એસ.એસ. રાઠોડે જણાવ્યું હતું કે, CMRSના પાલન માટે ૧૫થી ૨૦ દિવસનો સમય લાગી શકે છે. જેને કારણે સપ્ટેમ્બર મહિનાના અંત સુદીમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વરસાદને કારણે કામમાં થોડો વધારે સમય લાગ્યો હતો. અત્યારે ટ્રાયલ રન પ્રોગ્રેસમાં છે અને હકીકતમાં મેટ્રો શરૂ થાય તે પહેલાં દરેક ટ્રેનને ૩૨૦ કિમી ટ્રાયલ રન પૂરું કરવું જરૂરી છે.૨૦૨૧માં અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ પૂર્ણ થવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. પણ કોરોના લોકડાઉન અને કાયદાકીય ગૂંચણવોને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો.

આ ઉપરાંત આ પ્રોજેક્ટ ઉપર સરકારે ૧૨,૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચો કરી દીધો છે. અમદાવાદ મેટ્રો ટ્રેન એલિવેટેડ પ્લેટફોર્મ્સ પર દોડશે, જ્યારે કાલુપુર, શાહપુર જેવા વિસ્તારોમાં આ ટ્રેન અંડરગ્રાઉન્ડ દોડશે. કાલુપુર, શાહપુર, ઘીકાંટા અને પૂર્વ કાંકરિયામાં મેટ્રો માટે અંડરગ્રાઉન્ડ સ્ટેશન પણ બનશે.અમદાવાદ મેટ્રોના ફેઝ ૧માં બે કોરિડોર છે. એસ.એસ. રાઠોડે જણાવ્યું કે, કોરિડોર-૧ APMCથી મોટેરા સ્ટેડિયમ અને જ્યારે કોરિડોર-૨ થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો હશે. કોરિડોર-૧માં જીવરાજ પાર્ક, રાજીવનગર,શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, AEC, સાબરમતી અને મોટેરમાં સ્ટેશન હશે.

જ્યારે કોરિડોર-૨માં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસ.પી.સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર મેટ્રો સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોડરોડ, વસ્ત્રાલ ગામથી પસાર થશે.અમદાવાદ મેટ્રોનું મિનિમમ ભાડું ૫ રૂપિયા અને મહત્તમ ભાડું ૨૫ રૂપિયા હોઈ શકે છે.કોરિડોર ૧માં એપીએમસીથી વસ્ત્રાલ અને મોટેરાથી એપરલ પાર્ક સુધી મહત્તમ ૨૫ રૂપિયાનું ભાડું હશે, જ્યારે કોરિડોર ૨માં થલતેજ ગામથી વસ્ત્રાલ અને નિરાંત ક્રોસરોડથી વસ્ત્રાલ ગામ સુધી મહત્તમ ૨૫ રૂપિયાનું ભાડું હશે. અલગ-અલગ સ્ટેશનો વચ્ચેનું ભાડું ૫, ૧૦, ૧૫, ૨૦ અને ૨૫ રૂપિયા હોઈ શકે છે.ss3


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.