પોલીસ પરેડ ગ્રાઉન્ડ જાંબુઘોડા ખાતે પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
ગોધરા,જિલ્લાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષના હસ્તે જાંબુઘોડા તાલુકા પંચાયતના વિકાસ કાર્યો માટે રૂા.૨૫.૦૦ લાખનો ચેક ટી.ડી.ઓ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
સાથે સાથે જિલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી અને વિશિષ્ટ સિધ્ધી બદલ અધિકારીઓ, કર્મચારીઓ,રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વરિષ્ઠ નાગરિકો, મહાનુભાવો, અધીકારીગણોનું હાર્દિક સ્વાગત કરી ભારતના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આપણો દેશ તેના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે
ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે તેનું આપણને સૌને ગૌરવ છે. આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજીકૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે.
આપણે સૌ આ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના યોગદાનને ગૌરવ પૂર્વક યાદ કરી તેમને શત શત વંદન કરું છું. દેશની એકતા, અખંડીતતા અને ગૌરવના પ્રતિક સમાન તિરંગાના સન્માન માટે “હર ઘર તિરંગા”ની સંકલ્પના આપવામાં આવી ત્યારે તમામ દેશવાસીઓ જાતી, ધર્મ કે સરહદોથી પર ઉઠીને તિરંગાના સન્માન માટે એક થઈએ અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાર્થક કરી રહ્યા છીએ.
તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા