ભાદરણના શાંતાબેન પટેલે સુભાષચંદ્ર બોઝની ગાડી અટકાવીને તિરંગો લગાવ્યા બાદ જ ગાડીને આગળ જવા દીધી હતી
૧૦૩ વર્ષની ઉંમરે પણ ખૂબ સારી યાદશકિત ધરાવતા આ વીરાંગનાએ વર્ષ ૧૯૪૨માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લઇને ધરપકડ વ્હોરીને યરવડા જેલમાં રહ્યા હોવાનું જણાવ્યું હતું.
સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસેથી યુવાનોએ શીખ લઇ શુધ્ધ પવિત્ર જીવનનો માર્ગ અપનાવવો જોઇએ – મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
ભાદરણના ૧૦૩ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલની શુભેચ્છા મુલાકાત લઇ આશીર્વાદ મેળવતા મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
આણંદ, રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્રના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાના પેટલાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપ્યા બાદ બોરસદ તાલુકાના ભાદરણ ગામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર ૧૦૩ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલની શુભેચ્છા મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા.
મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીને સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર શાંતાબેન પટેલ સાથે બેસીને તેઓની સાથે વાર્તાલાપ કરતા શાંતાબેન પટેલે ૧૯૩૬ના આઝાદી ચળવળના સંભારણાઓની યાદ તાજી કરી હતી. આ પ્રસંગે શાંતાબેન પટેલે રાજય સરકાર પાસેથી કેટલાંક કામો સુચવ્યા હોવાનું મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી ત્રિવેદીએ શાંતાબેન પટેલ સાથેના સંવાદ કર્યા બાદ જણાવ્યું હતું કે, બોરસદ તાલુકાના ભાદરણ ગામનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. અહીં ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝે આ ધરતી પર પગ મૂકયો છે.
મંત્રીશ્રીએ શાંતાબેન પટેલે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. અને હાલમાં ૧૦૩ વર્ષની ઉંમરે પણ ખૂબ સારી યાદશકિત ધરાવતા આ વીરાંગનાએ વર્ષ ૧૯૪૨માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લઇને ધરપકડ વ્હોરીને યરવડા જેલમાં રહ્યા હોવાનું જણાવ્યું હતું.
શ્રી ત્રિવેદીએ શાંતાબેન પટેલ સાથે થયેલ સંવાદની વિગતો આપતાં કહ્યું કે, શાંતાબેન પટેલે એક વખત હરિપુરા ખાતે આયોજિત અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ગાડી ઉપર ભારતીય તિરંગો ન હોવાના કારણે તેમને અને તેમના સાથીઓએ સુભાષચંદ્ર બોઝની ગાડી અટકાવીને ગાડી ઉપર તિરંગો લગાવ્યા બાદ જ ગાડીને આગળ જવાની અનુમતી આપી હતી.
આમ સુભાષચંદ્ર બોઝ અધિવેશનમાં મોડા પહોંચતા મહાત્મા ગાંધીજીએ મોડા થવાનું કારણ પૂછતાં સુભાષચંદ્ર બોઝે આ વાત કહેતાં મહાત્મા ગાંધીજીએ પણ તિરંગાનું સન્માન જાળવવા બદલ શાંતાબહેનના આ કાર્યની પ્રશંસા કરી હતી ત્યારે આવી વિરંગાનાઓથી દેશ ઉજળો હોવાનું જણાવ્યું હતું.
મહેસૂલ મંત્રીશ્રીએ આજની યુવા પેઢીને આવા સ્વાતંત્ર્ય વીરો અને વિરંગનાઓ પાસેથી શીખ લઇ શુધ્ધ પવિત્ર જીવનનો માર્ગ અપનાવવાનો અનુરોધ કરી શાંતાબેન પટેલનું સમગ્ર જીવન શુધ્ધ અને પવિત્ર રહેવાની સાથે કોઇ આદત-વ્યસન ન હોવાનું જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી નાગરિક તરીકે ફરજ બની રહી છે કે, આવી વિરંગાનાઓ અને માતાઓના આશીર્વાદ મેળવવા જોઇએ. તેમણે વધુમાં આજે પણ ગામના લોકોને પૂજનીય શાંતાબેન પટેલ પૂરા જોમ અને જુસ્સાથી આઝાદીની લડતા કિસ્સાઓ સંભળાવી દેશભકિતની મિસાલ પૂરી પાડી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્બભાઇ ત્રિવેદીની આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, અગ્રણી શ્રી રમણભાઇ સોલંકી, બોરસદના પ્રાંત અધિકારીશ્રી, સરપંચશ્રી, સહિત તાલુકાના અધિકારીઓ સાથે રહ્યા હતા.