નીતિશની નવી સરકાર પર સંકટના વાદળો, મંત્રી ન બનાવવાથી જેડીયૂના ૫ ધારાસભ્યો નારાજ
પટના, બિહારમાં કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. પરંતુ નીતિશ કેબિનેટના શપથ ગ્રહણની સાથે કેટલાક ધારાસભ્યોની નારાજગી સામે આવી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડના પાંચ ધારાસભ્યો મંગળવારે નવી કેબિનેટના શપથ સમારોહમાં પહોંચ્યા નહીં. આ ધારાસભ્યો મંત્રી પદ ન મળવાથી નારાજ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ૨૪ ઓગસ્ટે બહુમત સાબિત કરવાનો છે, પરંતુ તે પહેલા ધારાસભ્યોની નારાજગી સારો સંકેત નથી.
બિહારમાં મંગળવારે કેબિનેટનો વિસ્તાર થયો છે. મહાગઠબંધે ૩૧ ધારાસભ્યોને મંત્રી પદના શપથ અપાવ્યા છે. કેબિનેટમાં સૌથી વધુ મંત્રીપદ આરજેડીના ખાતામાં ગયા છે. આરજેડીના ૧૬ ધારાસભ્યો મંત્રી બન્યા છે. તો જેડીયૂના ૧૧ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસને ૨, હમને ૧ અને એક અપક્ષ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે.
જેડીયૂના જે ધારાસભ્યો થયા નારાજ છે તેમાં ૧. ડોક્ટર સંજીવ (પરબત્તા વિધાનસભા),૨. પંકજ કુમાર મિશ્ર (રૂન્નીસૈદપુર),૩. સુદર્શન (બરબીધા),૪. રાજકુમાર સિંહ (મટિહાની),૫. શાલિની મિશ્રાનો સમાવેશ થાય છે. તેમાં રાજકુમાર સિંહ ૨૦૨૦ વિધાનસભા ચૂંટણી એલજેપીની ટિકિટ પર લડ્યા હતા, બાદમાં તે જેડીયૂમાં સામેલ થઈ ગયા હતા. હાલ આ ધારાસભ્યોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
શપથ ગ્રહણમાં સામેલ ન થવા પર શાલિની મિશ્રાને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે પોતાના સાસુની સારવાર માટે હાલ દિલ્હીમાં છે.
નારાજ જણાવવામાં આવી રહેલા આ બધા ધારાસભ્યો ભૂમિહાર જાતિના છે. તે કંઈ બોલી રહ્યાં નથી પરંતુ ધારાસભ્ય ડોક્ટર સંજીવ કુમારની પોસ્ટથી સવાલ ઉઠી રહ્યા છે. તેમણે બાકી ત્રણ ધારાસભ્યો સાથે ફોટો શેર કરતા લખ્યુ છે- તુમ સે પહેલા વો જાે ઇક શખ્સ યહાં તખ્ત-નશીં થા, ઉસ કો ભી અપને ખુદા હોને પે ઇટના હી યકીં થા.
મંત્રી મંડળમાં જગ્યા ન મળતા આ ધારાસભ્યોની સાથે ઉપેન્દ્ર કુશવાહા પણ નારાજ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે તે નારાજ થઈને મહારાષ્ટ્ર જતા રહ્યા છે. નોંધનીય છે કે નીતિશ કુમારે પાછલા સપ્તાહે ભાજપ સાથે ગઠબંધન તોડીને આરજેડીનો હાથ પકડી લીધો હતો.HS1MS