પટનામાં ૨૫ ઓગસ્ટ સુધી ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી
શિક્ષકોની ભરતીને લઈને થયેલા હોબાળા બાદ વહીવટીતંત્રનો ર્નિણય
ગર્દાનીબાગ સિવાય કોઈપણ શહેરી વિસ્તારમાં ધરણા-પ્રદર્શનની અનુમતિ આપવામાં આવશે નહીં.
પટના,બિહારની રાજધાની પટનામાં ૨૩થી ૨૫ ઓગષ્ટ સુધી ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. શહેરના ડાકબંગલા સ્ક્વેર, ગાંધી મેદાન, બેઈલી રોડ અને બોરિંગ રોડ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે. ગર્દાનીબાગ સિવાય કોઈપણ શહેરી વિસ્તારમાં ધરણા-પ્રદર્શનની અનુમતિ આપવામાં આવશે નહીં.
સોમવારે શિક્ષકોની ભરતીને લઈને થયેલા હોબાળા બાદ વહીવટીતંત્રે આ ર્નિણય લીધો છે.પટના ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું કે, સોમવારે શિક્ષક ઉમેદવારો પર થયેલા લાઠીચાર્જના મામલામાં તપાસ ચાલી રહી છે. આ અંગે એક સમિતિની રચના કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તપાસ રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ યોગ્ય ફોરમમાં પોતાની વાત રજૂ કરે. તેમજ ધરણા માટે પૂર્વ નિર્ધારિત સ્થળે જ પ્રોટેસ્ટ કરો. ડીએમએ કહ્યું કે, ૨૫ ઓગસ્ટ સુધી ગાર્ડનીબાગ સિવાય પટના સદર સબ-ડિવિઝનના કોઈપણ વિસ્તારમાં ધરણા-પ્રદર્શન કે સરઘસની મંજૂરી નથી.
બિહારના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષક ભરતી ઉમેદવારો સોમવારે રાજધાની પટના પહોંચ્યા અને નિમણૂકની માંગ સાથે ડાક બંગલા ચોકડી પર પ્રદર્શન કર્યું હતું. પોલીસે તેમને હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નહીં માન્યા. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો અને પોલીસે તેમને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.