ઝારખંડમાં રાજકીય આગેવાનના પરિચીત સહિત અનેક સ્થળે EDના દરોડા, AK-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ મળી

નવી દિલ્હીઃ ઈડીએ મની લોન્ડરિંગ કેસ મામલે ઝારખંડમાં રાજકીય આગેવાનના નજીક મનાતા પ્રેમ પ્રકાશ સહિત અનેક વેપારીઓ સહિત 18 સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. ઈડીની કાર્યવાહીને પગલે રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો હતો. ઈડીની તપાસ દરમિયાન રાંચીમાંથી એક-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ્સ મળી આવી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મની લોન્ડરિંગ મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ઈડીને રાંચીમાં એક સ્થળેથી એકે-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઈડીની ચીમો રાંચીના અરગોડા ચોકના સમીપ વસુંધરા એપાર્ટમેન્ટના 8માં માળે સ્થિત પ્રેમ પ્રકાશની ઓફિસ, ઓલ્ડ એજી કોલોની સ્થિત એક સ્કૂલ અને અરગોડા ચોક પર વેપારી એમ કે ઝાના મકાનને ઈડીની ટીમોએ સુરક્ષાદળો સાથે ઘેરી લીધા અને સર્ચ અભિયાન શરૂ કર્યું. રાંચીમાં 12 ઠેકાણા ઉપરાંત તમિલનાડુ, બિહાર, ઝારખંડ અને દિલ્હી-એનસીઆરમાં છ ઠેકાણા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ મામલે તાજેતરમાં ધરપકડ કરાયેલા સીએમ હેમંત સોરેનના વિધાયક પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને અનેક ઈનપુટ મળ્યા હતા. જેના આધારે ગેરકાયદેસર ખનન સંલગ્ન મામલે કાર્યવાહી થઈ રહી છે.
25મી મેના રોજ પણ ઈડીએ પ્રેમ પ્રકાશ અને અન્ય એક વેપારીના પાંચ ઠેકાણા પર દરોડા પાડીને અનેક દસ્તાવેજ તથા કિંમતી સામાન જપ્ત કર્યો હતો. ત્યારબાદ પ્રેમ પ્રકાશની અનેક રાઉન્ડની પૂછપરછ થઈ હતી. તે પહેલા ઝારખંડના સિનીયર આઈએએસ પૂજા સિંઘલ અને તેમના સહયોગીઓના બે ડઝન ઠેકાણા પર દરોડા બાદ ઈડીએ ઝારખંડમાં 100 કરોડથી વધુના માઈનિંગ કૌભાંડની ભાળ મેળવી હતી.
ઈડીના તાજા દરોડાની કડીઓ આ મામલા સાથે પણ જોડાઈ રહી છે. ઈડીના આ દરોડાથી રાજ્યમાં સત્તા સંબંધિત અનેક લોકો અને બ્યૂરોક્રેસીની પરેશાની વધી શકે છે. પ્રેમ પ્રકાશનો સંબંધ રાજ્યના અનેક મોટા નેતાઓ અને ઓફિસરો સાથે રહ્યો છે.