Western Times News

Gujarati News

અલ્ટિમેટ ખો ખો: ડિફેન્ડર્સના શાનદાર પ્રદર્શનના દમ પર મુંબઈ ખેલાડીઝ બની વિજેતા

Ultimate Khokho

ઓડિશા જગરર્નોટ્સે ચેન્નાઈ ક્વિક ગન્સનો વિજયરથ અટકાવ્યો

પુણે, દુર્વેશ સાલુંકે અને અવિક સિંઘાના શાનદાર ડિફેન્સના કારણે મુંબઈ ખેલાડીઝે રાજસ્થાન વૉરિયર્સને 56-42ના માર્જિનથી હરાવ્યું. જ્યારે  દિવસની પ્રથમ મેચમાં ઓડિશા જગરનોટ્સે ચેન્નાઈ ક્વિક ગન્સના વિજય રથને અટકાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજસ્થાનની હારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્સ્થાનને સતત પાંચમી હાર મળી છે. છ મેચમાં બીજી જીત નોંધાવનાર મુંબઈના સાલુંકે અને અવિકે બીજા ટર્નમાં પણ ટીમને બોનસ આપ્યું અને પછી ચોથા ટર્નમાં બોનસ તરીકે છ પોઈન્ટ મેળવીને રાજસ્થાનની જીતની સમભાવનાઓ સમાપ્ત કરી દીધી હતી.

અવિકે ડિફેન્સ દરમિયાન 8 પોઈન્ટ અને સાલુંકેએ ચાર પોઈન્ટ બનાવ્યા હતા.  શ્રીજેશ એસને પણ ૭ પોઈન્ટ મળ્યા હતા.  રાજસ્થાન માટે દિલરાજ સિંહ સંગારે ચાર બોનસ લીધા અને ડિફેન્સ દરમિયાન નિખિલ બીએ 8 પોઈન્ટ બનાવ્યા હતા.

રાજસ્થાને ટોસ જીતીને ડિફેન્સ કરવાનો નિર્ણય કર્યો હતો.  તેની પ્રથમ બેચ મેટ પર 2 મિનિટ 20 સેકન્ડની હતી.  બીજી બેચમાં સામેલ અક્ષય ગોનપુલે જોકે તેની ટીમ માટે બેચ બોનસ મેળવવામાં સફળ રહ્યો.  તેણે બે મિનિટ 37 સેકન્ડનો સમય કર્યો.  ત્રીજી બેચ 1 મિનિટ 59 સેકન્ડમાં આઉટ થઈ ગઈ ત્યાં સુધીમાં મુંબઈને 23-2ની લીડ મળી ગઈ હતી.  આ ટર્નના અંત સુધી સ્કોર સમાન રહ્યો હતો.

રાજસ્થાને બીજા  ટર્નની પ્રથમ 1 મિનિટમાં અનેક ફાઉલ કર્યા હતા જેનો લાભ લઈને પ્રથમ બેચ બે મિનિટથી વધુ સમય સુધી મેટ પર રહી હતી. પાવરપ્લે દરમિયાન રાજસ્થાને બીજી બેચ 1 મિનિટ અને સેકન્ડમાં બનાવી હતી પરંતુ ત્રીજા બેચમાં રહેલા દુર્વેશ સાલુંકે અને અવિક સિંઘાએ મુંબઈને બેચ બોનસ અપાવી હતી.  અવિક (2 મિનિટ 55 સેકન્ડ) છેલ્લે આઉટ થયો હતો.  હાફ ટાઇમ સુધી સ્કોર રાજસ્થાનની તરફેણમાં 27-25 હતો.

પઠાણે મોહમ્મદ તાસીનને આઉટ કરીને ત્રીજા ટર્નમાં સ્કોર 27-27 સુધી કરી દીધો હતો.  ત્યારબાદ શ્રીજેશ એસએ નિખિલ બી અને મઝહર જમાદારને આઉટ કરીને મુંબઈને 31-27ની લીડ અપાવી હતી. બીજી બેચમાં રહેલા સુરેશ સાવંત અને હૃષીકેશ મુરચાવડે વહેલા આઉટ થઈ ગયા પરંતુ સેંગર રાજસ્થાન માટે ચાર બોનસ પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો, તે મેટ પર 3 મિનિટ 13 સેકન્ડ સુધી રહ્યો. આ ટર્નના અંત સુધીમાં મુંબઈ 46-31થી આગળ હતું.

જવાબમાં મુંબઈની પ્રથમ બેચે ચાર બોનસ પોઈન્ટ લઈને સ્કોર 50-33 કર્યો હતો. અવિક અને સાલુંખે બોનસ પણ અપાવ્યા હતા. અવિકના આઉટ થયા બાદ સાલુંકેએ ટીમને વધુ ચાર પોઈન્ટ આપ્યા હતા જેનાથી રાજસ્થાનની સમસ્યાઓમાં વધારો થયો હતો. સાલુંખે 4 મિનિટ 16 સેકન્ડમાં આઉટ થયો હતો.  મુંબઈની બીજી બેચ પણ અઢી મિનિટથી વધુ સમય સુધી મેટ પર રહ્યા બાદ બોનસ લીધું અને પોતાની જીત નિશ્ચિત કરી.

આ અગાઉની પ્રથમ મેચમાં ચેન્નાઈ ક્વિક ગન્સની વિજયી દોડને 10 પોઈન્ટના વિજય સાથે અટકાવ્યો હતો. ઓડિશા જગરનોટ્સ માટે આ સતત ત્રીજી જીત હતી. આ જીત સાથે ઓડિશા જગરનોટ્સ માત્ર 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ટોપ-2માં જ નહિ પરંતુ ચેન્નાઈ ક્વિક ગન્સ પર લીગ ડબલ પણ પૂર્ણ કરી છે.

જાધવે પાંચ ખેલાડીઓને આઉટ કર્યા જેમાં ચાર પોલ ડાઈવ અને એક સ્કાય ડાઈવનો સમાવેશ થાય છે.  તેના સિવાય કેપ્ટન મિલિંદ ચાવરેકરે 9, સૂરજ લાંડેએ 8 પોઈન્ટ બનાવ્યા હતા. સાન્ત્રાએ બીજા દાવના પ્રથમ ટર્નમાં ત્રણ મિનિટ અને ચાર સેકન્ડમાં મેટ પર રહીને ટીમને ચાર મૂલ્યવાન બોનસ આપ્યા હતા.  સતત ત્રણ જીત બાદ પ્રથમ હાર સહન કરનાર ચેન્નાઈના પી. નરસાયા અને મનોજ પાટીલે ત્રણ-ત્રણ ખેલાડીઓને આઉટ કરીને 8-8 પોઈન્ટ લીધા હતા.

ઓડિશાની ટીમે ટોસ જીતીને ડિફેન્સ કરવાનો નિર્ણય લીધો હતો અને ચેન્નાઈને પ્રથમ દાવના પ્રથમ ટર્નમાં માત્ર 19 પોઈન્ટ લેવા દીધા હતા.  ઓડિશાએ આ સમયગાળા દરમિયાન ચાર બોનસ પોઈન્ટ પણ મેળવ્યા હતા.  ગૌતમ એમકે (2:33 સેકન્ડ) સિવાય દિપેશ મોરે અને જગન્નાથ મુર્મુ (2:29 સેકન્ડ)એ બોનસ લીધું હતું.

જવાબમાં ઓડિશાએ ચેન્નાઈની પ્રથમ બેચને 2 મિનિટ 10 સેકન્ડમાં લઈ સ્કોર 13-19 કરી દીધો હતો.  પ્રથમ હાફના અંત સુધીમાં સ્કોર 28-19 ઓડિશાની તરફેણમાં હતો.  બીજા દાવના પ્રથમ ટર્નમાં સંત્રા ટીમ માટે બોનસ તરીકે ચાર પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો અને તે ત્રણ મિનિટ ચાર સેકન્ડ સુધી મેટ પર રહ્યો.

ત્યારબાદ ચેન્નાઈએ પાવરપ્લે લીધો અને ટર્નના અંત સુધીમાં 37-32ની લીડ મેળવી લીધી. ઓડિશાને પાંચ મેચમાં ચોથી જીત માટે છ પોઈન્ટની જરૂર હતી. આદિત્ય કુંડલેએ પોલ ડાઈવ પર વી. કબિલનને આઉટ કરીને તેની શરૂઆત કરી અને પછી નિલેશે મનોજ પાટીલને પોલ ડાઈવ પર આગળ ધપાવ્યો.  જોકે પી. નરસાયાએ બેચ બોનસ સાથે ચેન્નાઈમાં પુનરાગમન કર્યું હતું  પરંતુ ઓડિશાએ  41-39ની લીડ મેળવી હતી.

સૂરજ લાંડેએ બીજા બેચમાં બુચનગરી રાજુ અને નિલેશે મહેશ શિંદેને સ્કાય ડાઈવ કરી પકડ્યો અને  ઓડિશાની જીત લગભગ સુનિશ્ચિત કરી, આમ  ઓડિશા 49-39થી આગળ હતું. અહીંથી ચેન્નાઈના પુનરાગમનના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા અને આખરે તેને છ મેચમાં ત્રીજી હારની ફરજ પડી હતી.

ગુરુવારે પ્રથમ મેચમાં ઓડિશા જગરનોટ્સનો સામનો રાજસ્થાન વોરિયર્સ સામે થશે અને  દિવસની બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો તેલુગુ વોરિયર્સ સામે થશે.

છ ફ્રેન્ચાઈઝી ટીમો – ચેન્નાઈ ક્વિક ગન્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ખિલાડિયર્સ, ઓડિશા જગરનોટ્સ, રાજસ્થાન વોરિયર્સ અને તેલુગુ વોરિયર્સ સિઝન – 1માં ભાગ લઈ રહી છે.

અલ્ટીમેટ ખો ખોને અમિત બર્મન દ્વારા ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી પ્રમોટ કરવામાં આવે છે.  ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ખો-ખો લીગની ફાઇનલ 4 સપ્ટેમ્બરે થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.