ગુજરાતની વિકાસયાત્રામાં જાપાનની સુઝુકી કંપનીનું મહત્વનું યોગદાનઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતમાં સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજમેન્ટને સફળતાના ચાલીસ વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન પાઠવતા કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત અને જાપાન વચ્ચેની આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારીને એક નવું પરિમાણ આપ્યું હતું.
ગુજરાતની વિકાસયાત્રામાં જાપાનની સુઝુકી કંપનીનું મહત્વનું યોગદાન રહ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૨માં શરૂઆત થઈ ત્યારથી મારુતિ કંપનીનું સંચિત રોકાણ રૂ.૧૬ હજાર કરોડ સુધી પહોંચી ગયું છે.
તેમણે કહ્યુ કે, ગુજરાત સરકારની EV નીતિનો લાભ લઈને, મારુતિ સુઝુકીએ બેટરી ઉત્પાદન અને ઓટોમોટિવ રિસાયક્લિંગ સુવિધાઓમાં અંદાજે રૂ.૧૦ હજાર કરોડનું રોકાણ કરવા પ્રતિબધ્ધતા દર્શાવી છે. ભારતનો પ્રથમ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ પણ ગુજરાતમાં સ્થાપવામાં આવનાર છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતે ડબલ એન્જિન સરકાર થકી વિકાસ કર્યો છે જેના પરિણામે ગુજરાત આજે દેશભરમાં સૌથી શ્રેષ્ઠ ઔદ્યોગિક વિકાસ ધરાવતું રાજ્ય બન્યું છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં થયેલા રૂ.૩૧.૩ લાખ કરોડના કુલ રોકાણ સામે ગુજરાતમાં ૫૭ ટકા એટલે કે અંદાજે રૂ.૧૭.૭ લાખ કરોડનું રોકાણ થયુ છે,
તે ડબલ એન્જિન સરકારને પરિણામે થયેલા ઝડપી વિકાસનું પરિણામ છે. આજે દેશના ઉત્પાદન ક્ષેત્રે આશરે અઢાર ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રિમ રાજ્યોમાં છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૦ થી માર્ચ ૨૦૨૨ સુધીમાં ગુજરાતને મળેલી સંચિત એફડીઆઈને ધ્યાનમાં લેતા, તે લગભગ ૫૧ બિલિયન યુએસ ડોલર છે.
તેમણે કહ્યુ કે, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત બેસ્ટ પરફોર્મર સ્ટેટ રહ્યું છે. લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત મોખરે છે. નીતિ આયોગના એક્ષ્પોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્ષમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે, સાથે સાથે ભારત સરકારના ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં પણ ગુજરાત પહેલા સ્થાને છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર આવનાર સમયની જરૂરિયાતને આધારે માળખાકીય સુવિધાઓ જેવી કે ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીલ્સ, ફિનટેક અને નાણાકીય સેવાઓ, સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાનશ્રીએ રાજયની અવિરત વિકાસયાત્રા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ જેવી અપ્રતિમ ભેટ આપી છે. જેના પરિણામે ગુજરાતમાં રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે ક્રાંતિ આવી છે. વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાયોટેક્નોલોજી પોલિસી અને નવી આઇટી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. આ નવીન નીતિઓને કારણે રોકાણકારો માટે ગુજરાત ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ બન્યુ છે અને આવનારા સમયમાં હજુ વધુને વધુ રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષાશે તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
:: જાપાન વડાપ્રધાન શ્રી કિશિદા ::
આ પ્રસંગે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરતા જાપાનના વડાપ્રધાન શ્રી કિશિદાએ જણાવ્યું હતું કે, ચાર દાયકા દરમિયાન મારુતિ સુઝુકીની વૃદ્ધિ ભારત અને જાપાન વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને મૂર્ત સ્વરૂપ પ્રદાન કરે છે. ભારતીય બજારમાં રહેલી ક્ષમતાને ઓળખી કાઢવા માટે તેમણે સુઝુકીના મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે આ સફળતાનો શ્રેય ભારતના લોકો અને ભારત સરકારની સમજણ અને સમર્થનને પણ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે લેવાયેલા વિવિધ સહાયક પગલાંઓને કારણે ભારતે આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અન્ય ઘણી બધી જાપાનીઝ કંપનીઓએ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. આ વર્ષને વિશેષ ગણાવતા તેમણે ભારત જાપાન સંબંધોના 70 વર્ષને યાદ કર્યા હતા તેમજ પ્રધાનમંત્રી મોદી સાથે મળીને જાપાન ઇન્ડિયા “વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી” તેમજ “ફ્રી અને ખુલ્લા ઈન્ડો સ્પેસિફિક”નું સપનું સાકાર કરવા માટે પ્રયત્નો કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
:: હરિયાણા મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર ::
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે આ કાર્યક્રમમાં હરિયાણાથી વર્ચ્યુઅલ જોડાઇને જણાવ્યું હતું કે, હરિયાણા રાજ્યમાં મારૂતિ કંપનીનો ત્રીજો પ્લાન્ટનો આરંભ થાય છે, તે વાતનો મને ખૂબ જ આનંદ છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે અમારા રાજ્યમાં અનેક પ્રોજેક્ટ સ્થાપન કર્યા છે. જેના કારણે હરિયાણાની વિકાસની ગતિ તેજ બની ગઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણાના વિકાસનો આરંભ મારૂતિ કંપનીના પ્લાન્ટ થકી થયો હતો. રાજ્યમાં ગુરગાવ શહેરના વિકાસમાં મારૂતિનો સહયોગ પણ ખૂબ જ રહયો છે. હરિયાણામાં સ્થપાનાર મારૂતિના નવીન પ્લાન્ટ થકી ૧૦ હજાર યુવાનોને રોજગારી મળશે. બિઝનેસ કરવા માટે બીટુબી, બીટુજી સહિત વિવિધ પદ્ધતિ છે જ્યારે અમે એચ.ટુ.એચ (હાર્ટ ટુ હાર્ટ) બિઝનેશ કરીએ છીએ.
૪૦ વર્ષની ઉજવણી નિમિત્તે ટી. સુઝુકીએ જણાવ્યું હતું કે, ભારત અને જાપાને ઓક્ટોબર 1982માં સંયુક્ત સાહસ કરાર કર્યો હતો. અમે આ ઉજવણી વડાપ્રધાન મોદી અને ભારતના લોકો પ્રત્યે નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરવા માટે કરી છે. મારુતિ સુઝુકી ભારત અને જાપાન વચ્ચે સૌથી સફળ સંયુક્ત વેન્ચર તરીકે ઓળખાય છે અને ભારત સુઝુકી જૂથના સૌથી મહત્વપૂર્ણ દેશોમાંનો એક બની ગયો છે. ગત વર્ષે સુઝુકી જૂથે સમગ્ર વિશ્વમાં 28 લાખ ઓટોમોબાઈલનું ઉત્પાદન કર્યું હતું જેમાંથી 60%થી વધુ ઉત્પાદન ભારતમાં થયું હતું. ઉપરાંત, ભારતમાંથી ગત વર્ષે સૌથી વધુ નિકાસ, 2.4 લાખ યુનિટ જેટલી થઈ હતી. આજે ભારત સુઝુકી જૂથમાં વૈશ્વિક ઓટોમોબાઈલ ઉત્પાદન હબ તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અમે ગુજરાતમાં સુઝુકી મોટરના નવા પ્લાન્ટનું ઉદઘાટન ગુજરાતમાં કર્યું છે. જે વાર્ષિક 7.5 લાખ યુનિટ ઉત્પાદન ક્ષમતાના સાથે સંપૂર્ણપણે કાર્યરત છે, જેનું ઉત્પાદન આ વખતે 20 લાખ યુનિટને પણ વટાવી ગયું છે. અમે હવે 10,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદનની તૈયારી કરી રહ્યા છીએ. વધુમાં અમે વિવિધ સંસાધનો માટે શૈક્ષણિક અને સ્ટાર્ટઅપ્સમાં ભારત સાથેના અમારા સંબંધોને મજબૂત કરીશું. સુઝુકી ભારતમાં સારા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે, તે માટે અમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માનીએ છીએ.
મારુતિ સુઝુકીના અધ્યક્ષ શ્રી આર. સી ભાર્ગવે જણાવ્યું હતું કે, સુઝુકીના અધ્યક્ષ ઓસામુ સુઝુકીએ અમારા પર મૂકેલો વિશ્વાસ અમારી સફળતાનું મુખ્ય પરિબળ છે. આ ૪૦ વર્ષના ગાળામાં અમે શીખ્યા કે કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે મજબૂત ટીમ વર્ક શક્ય છે. અમારા 98% કામદારો આવકવેરો ચૂકવે છે અને મોટા ભાગના લોકો તેમના ઘર અને ગાડીના માલિક છે. અમે સપ્લાય ચેઇનની મજબૂત ભૂમિકાનું મહત્ત્વ સમજીએ છીએ. ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરી અમે ગુણવત્તામાં સતત સુધારો કેવી રીતે કરવો તે શીખીએ છીએ. મારુતિ સુઝુકી એકલી ક્વાર્ટર મિલિયન યુનિટ કારનું વેચાણ કરીને ભારતીય કારની મોટી નિકાસકાર બની ગઈ છે. મારુતિ સુઝુકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકારના કાર્યક્રમ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં 2025થી ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે જે કાર્બન ઉત્સર્જન ઘટાડશે.
આ પ્રસંગે સાંસદ શ્રી સી. આર. પાટીલ, રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત કંપનીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.