Western Times News

Gujarati News

ભુજ ખાતે પ્રધાનમંત્રી મોદીનો જાજરમાન રોડ શો યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને ઉમંગ-ઉત્સાહ સાથે વધાવતા કચ્છી માડુઓ

 કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવી રોડ-શોને કાર્નિવલમાં તબદીલ કર્યો- વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની

લોકહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કચ્છ આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો ભુજ ખાતે યોજાયો હતો. ભુજ-મિરઝાપર હાઇવેથી જી.કે જનરલ હોસ્પિટલ સુધી યોજાયેલા આ રોડ શોમાં કચ્છી માડુઓની હંમેશા ચિંતા કરનાર પ્રધાનમંત્રીશ્રીને આવકારવા ભારે જનમેદની ઉમટી હતી.

કારમાં સવાર પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો કચ્છવાસીઓ  એકત્રિત થયા હતા. કચ્છને ભુકંપમાંથી બેઠુ કરનારા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાફલો પસાર થતા લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ હાથ હલાવી કચ્છી માડુઓએ વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

આ ભવ્યાતિભવ્ય રોડ-શોમાં જિલ્લાના વિવિધ સાંસ્કૃતિક મંડળોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી રંગત જમાવી હતી, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

કાર્નિવલ બનીને ઉભરેલા રોડ-શોમાં ભુજ નગરપાલિકાના વોર્ડ.૯ ના નગરસેવકો દ્વારા ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની ઘટનાને જીવંત કરતી કૃતિ પ્રસ્તૃત કરવામાં આવી હતી, જે નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા.

રોડ-શોના રૂટને ૧૪ કલસ્ટરમાં વહેંચવામાં આવ્યો હતો. જેના વિવિધ પોઇન્ટ પર વડાપ્રધાનશ્રીનું કચ્છના અગ્રણીઓ, સંસ્થાઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વકીલો, ડોકટરો સહિતના પ્રતિષ્ઠિત નાગરિકોએ પણ ઉત્સાહભેર રોડ-શોમાં ભાગ લઈને વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા. લોકોના પ્રેમનો એ જ ઉત્સાહથી પ્રેમસભર પ્રતિસાદ આપતા વડાપ્રધાનશ્રીએ સમગ્ર રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

રોડ-શોના સમગ્ર રૂટ પર ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જયારે જમણીબાજુએથી પ્રધાનમંત્રીશ્રીનો કાફલો પસાર થયો હતો ત્યારે સમગ્ર રૂટ પર ઉપસ્થિત જનમેદનીએ વડાપ્રધાનશ્રીના માનમાં હર્ષનાદ કરીને દેશના હિત અને વિકાસમાં હંમેશા કાર્યરત રહેવા માટે શુભેચ્છાઓ વ્યકત કરી હતી.

આ ભવ્ય રોડ શોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિવાદનના દ્રશ્યો ભુજવાસીઓમાં અને કચ્છી માડુઓના સ્મૃતિપટલ પર કાયમ માટે અંકિત થઈ થયા ગયા હતા. રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર સલામતી અને લોકોની સગવડતા માટે સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.